Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પાક.ને માહિતી પહોંચાડવાના પ્રકરણમાં યુવકની ધરપકડ

યુપી એટીએસ, એસઓજીનું સંયુક્ત ઓપરેશન : ગોધરાના વાળી ફળિયા ૩ સ્થિત યુવાનને પકડીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને પોલીસ દ્વારા લખનઉ લઇ જવાયો

ગોધરા, તા. : ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવામાં આવતા હોવાના પ્રકરણમાં ગોધરાના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા દોડી આવેલી ઉત્તરપ્રદેશ એટીએસ અને પંચમહાલ એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ગોધરાના વાળી ફળિયા સ્થિત યુવાનને પકડીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને લખનઉ લઇ જવામાં આવ્યો હતો. ઝડપાયેલા યુવાનના ભાઇની સપ્ટેમ્બર મહિનામાં વિશાખાપટ્ટનમના નેવીના જાસુસીકાંડમાં એનઆઇએ દ્વારા પકડવામાં આવ્યો હતો.

સેનાના ગુપ્તચરો દ્વારા મળેલી વિગતોના આધારે ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા સૌરભ શર્મા નામનાના પૂર્વ જવાનની અટકાયત કરવામાં આવી હતી. સૌરભ શર્મા દ્વારા ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી પીઆઇઓને પહોંચાડવામાં આવતી હોવાની કબૂલાત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના બિહુની ગામે રહેતા સૌરભ શર્માએ પૈસાની લાલચમાં વિગતો મોકલી હોવાનો એકરાર કર્યો હતો. વિગતો મોકલવા સામે તેના ખાતામાં પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત અનસ ગિતૈલી નામની વ્યક્તિ દ્વારા તેના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવતા હોવાની વિગતો એટીએસને મળી આવી હતી. જેના આધારે લખનઉથી ગોધરા દોડી આવેલ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ અને પંચમહાલ એસઓજીના પો.. એમ.પી.પંડ્યા અને તેમની ટીમના સંયુક્ત ઓપરેશનમાં અનસ ગિતૈલીની ધરપકડ કરવામાં આવી હતી. એક તબક્કે તો ગોધરાના વાળી ફળિયા નંબર ખાતે અનસના રહેઠાણ વિસ્તારમાં તંગદીલી પ્રસરી ગઇ હતી. જો કે, પોલીસે સંયમપૂર્વક અનસ ઝડપી પાડીને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે અદાલતમાં રજૂ કર્યો હતો. સ્થાનીક અદાલતમાં અનસને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને લખનઉ લઇ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ ગિતૈલીના ભાઇ ઇમરાન ગિતૈલીની સપ્ટેમ્બર મહિનામાં એનઆઇએ દ્વારા દ્વારા વિશાખાપટ્ટન ખાતેની જાસૂસી કાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા ભારતીય સેના અને સંરક્ષણ મથકોની જાસૂસી કરવા માટે વિશાખાપટ્ટનમમાં જાસૂસી કાંડ ઝડપી પાડવામાં આવ્યુ હતુ. જેમાં નૌ સેનાના કર્મચારીઓ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન પણ  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઇશારે કામ કરી રહ્યો હતોકેટલીક સંવેદનશીલ અને સેનાની માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો. ૨૦૧૯માં તે પાકિસ્તાનની સાથે ટેલિફોનીક સંપર્કમાં હોવાની પણ કેટલીક કડીઓ મળી આવી હતી. વિશાખાપટ્ટનમ જાસૂસીકાંડમાં પકડાયેલા ભારતીય નૌસેનાના અધિકારીઓ સહિત પંદર જેટલા આરોપીઓ પૈકીના કેટલાકને ઇમરાને આર્થિક સહાય પણ પૂરી પાડી હોવાના તેના પર આરોપ હતા. તેવી રીતે અનિસ ગિતૈલીએ પૂર્વ સૈનિકને આર્થિક સહાય પહોંચાડી હોવાનું બહાર આવ્યુ છે. ઈમરાનને  બિનકાયદાકીય ગતિવિધિ એક્ટ (યુએપીએએ), ૨૦૧૯ અને અધિકારિક ગુપ્તતા અધિનિયમ, ૧૯૨૩ અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યો હતો.

(8:35 pm IST)