Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આખીય ડ્રાય રનની પ્રક્રિયા માત્ર 37 મિનિટમાં જ પૂર્ણ થાય તેવી વ્યવસ્થા

પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ રાખવામાં ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવ્યા

અમદાવાદ : કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાને મ્હાત આપે તે માટે શોધાયેલી વેકસીને દેશવાસીઓમાં આશાનું નવું કિરણ ઊભું કર્યું છે. દેશવાસીઓ કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ કોરોના વેકસીનને લઇને શુક્રવારે સમગ્ર દેશમાં ડ્રાયરન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જ એશિયાની સૈથી મોટી સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સિનેશનનું ડ્ર્રાય રન યોજાયું હતું. જેમાં 25 જેટલા હેલ્થ વર્કરોમાં ડ્રાયરન હાથ ધરવામાં આવી હતી. આખીય ડ્રાય રનની પ્રક્રિયા માત્ર 37 મિનિટમાં જ પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ અને ફિજીયોથેરાપી કોલેજ અમદાવાદ હોસ્પિટલના 25 હેલ્થકેર વર્કરો પર કોરોના રસીની ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના પહેલાં માળે સમગ્ર પ્રક્રિયા ગોઠવવામાં આવી હતી. જેમાં પહેલાંથી નોંધાયેલા વ્યક્તિને ઓળખપત્ર આપવામાં આવ્યા છે. તેની ચકાસણી બાદ તેમને વેઇટીંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પ્રાથમિક તપાસ બાદ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. જો કોઇ વ્યક્તિમાં શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ દેખાય તો તેમને બીજા દિવસે રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ રાખવામાં ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવ્યા હતા. ઉપરાંત કોઇ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તે માટે પણ સમગ્ર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

આ અંગે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ અને ફિજીયોથેરાપી કોલેજના નિયામક ડો. રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયૂટ અને ફિજીયોથેરાપી કોલેજ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ડ્રાય રન યોજવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

ડો. સોંલકીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી હેલ્થકેર વર્કરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે માટે અમારા ઇન્સ્ટીટયૂટના પહેલા માળે સમગ્ર પ્રક્રિયાને વધુ સઘન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે. રાજય સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શુક્રવારે યોજાયેલા ડ્રાયરનમાં મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર વિપુલ મહેતા સહિતની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી, અધિકારીઓ સિવિલના તબીબો સહિતનો સ્ટાફ હાજર રહીને સફળ સંચાલન કર્યું હતું.

(7:24 pm IST)