Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરત સસ્ટેનેબલ ટેકસટાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આગળ વધે તો દેશમાં નવી ટેકસટાઇલ ક્રાંતિનું જનક બનશે: સ્મૃતિ ઈરાની

‘સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– સીટેક્ષ 2021’ને ખૂલ્લું મૂકતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

સુરત : કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી દેબા ચૌધરીની ઉપસ્થિતિમાં સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ 2021’ ને ખૂલ્લું મૂક્યું હતું.

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા.9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ‘સીટેક્ષ-2021’માં સંબોધન કરતાં કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝ કોરોના કટોકટીના માહોલમાં પણ આગળ વધવાનું સામર્થ્ય ધરાવે છે.

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોએ સાબિત કર્યું છે. રાજ્યના ઉદ્યોગો વિષમ પરિસ્થિતિમાં પણ રાખમાંથી બેઠા થઈને વિકાસના માર્ગે આગળ વધી રહ્યાં છે. એ આજે સુરતે સાર્થક કરી બતાવ્યું છે. લોકડાઉન અને કોરોના કાળમાં મશીનરી માટે વિદેશ પર નિર્ભર રહેવાને બદલે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગો, લઘુઉદ્યોગોએ નજીવા અને પોષણક્ષમ દરે સ્વદેશી કિફાયતી મશીનો બનાવ્યાં છે, જે બદલ તેમણે સુરતને અભિનંદન આપ્યાં હતાં.

 

ઈરાનીએ કહ્યું કે, ટેકસટાઇલ મંત્રાલય ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. તમામ વ્યાપારીઓ, ગ્રાહકો અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અદા કરી રહી છે. સુરત સસ્ટેનેબલ ટેકસટાઇલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં આગળ વધે તો સુરત દેશમાં નવી ટેકસટાઇલ ક્રાંતિનું જનક બનશે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

માસ્ક અને પીપીઈ કીટ ઉત્પાદનમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ધારાધોરણોને અનુસરી ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમાધાન ન કરવાની નીતિને દેશના આ ક્ષેત્રના ઉદ્યોગકારો વળગી રહ્યાં, કોરોના વોરિયર્સને ઊની આંચ પણ ન આવે એવાં અભિગમ સાથે એમાં માસ્ક અને પીપીઈનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કર્યું એમ પણ તેમણે ગૌરવથી કહ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી દેબા ચૌધરીએ જણાવ્યું કે, સુરત અને ટેકસટાઇલ, મશીનરી ઇન્ડસ્ટ્રીઝને નજીકથી નિહાળવાનો આનંદ છે. પશ્ચિમ બંગાળમાં પણ સુરતની માફક કાપડ ઉદ્યોગ ધબકતો થાય એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે સુરતના ઉદ્યોગકારોને શુભકામનાઓ પાઠવી હતી.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી ટેકસટાઇલ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું રાજ્યનું સૌપ્રથમ પ્રત્યક્ષ બી–ટુ–બી એક્ઝિબીશન સુરતમાં યોજાઈ રહ્યું છે, ગુણવત્તાયુક્ત કાપડ, મેનમેડ ફાઈબર, એપેરલ અને યાર્ન સેક્ટરમાં સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝના દેશના વિકાસમાં યોગદાન અંગે તેમણે વિસ્તૃત વિગતો આપી હતી.

આ પ્રસંગે સાંસદ દર્શનાબેન જરદોશ, કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા, મુંબઇના કોન્સ્યુલ જનરલ હીઝ એકસલન્સી આગુસ પ્રિહાતીન સાપ્તોનો, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, અરવિંદભાઈ રાણા, ઓફિસ ઓફ ધિ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ એડી. ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્ષ્ટર્નલ) એચ.ડી. શ્રીમાળી, કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ કમિશનર રૂપરાશિ મહાપાત્ર, ચેમ્બર ઉપપ્રમુખ આશિષ ગુજરાતી સહિત ઉદ્યોગકારો, એક્ઝિબીટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:48 pm IST)