Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે 650 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી

અમદાવાદ: ભાજપ-કોંગ્રેસ બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે દિલ્હીની આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શનિવારે 650 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જારી કરાયેલી ઉમેદવારોની બીજી યાદીમાં અમદાવાદ મહાનગર પાલિકાના કુબેરનગર, શાહપુર વોર્ડમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય અમદાવાદ ગ્રામ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ 500થી વધુ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી.

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જારી કરાયેલી પહેલી યાદીમાં ગોમતીપુર, સરખેજ, દાણીલીમડા, જમાલપુર, થલતેજ, રાણીપ, નારણપુરા, નિકોલ, પાલડી સહિત કુલ 13 વોર્ડ માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. સુરતમાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોની આ બીજી યાદી જાહેર કરવામાં આવી છે.

અગાઉ આમ આદમી પાર્ટીના (AAP) પ્રવક્તા આતિષી મારલેનાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો જ્યારે દિલ્હીમાં રહેતા તેમના પરિવારજનોના ત્યાં આવે છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ચૂંટણી લડે તેવો આગ્રહ કરે છે. તેમણે કહ્યું કે, બે મુખ્ય રાજકીય પક્ષો બાદ હવે તેમને ત્રીજો વિકલ્પ AAPના સ્વરૂપમાં મળ્યો છે.

ઉમેદવારોના નામ સાથે AAP પાર્ટીએ પોતાનો ઈ-મેલ એડ્રેસ પણ જાહેર કર્યું છે. જો કોઈને જારી કરાયેલા ઉમેદવારો સામે તકલીફ હોય તો અમને તેના થકી જાણ કરી શકે છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીની છેલ્લી ઘડીએ તેમના ઉમેદવારોના નામ જારી કરે છે, કારણ કે ત્યાં પૈસાની લેવડ-દેવડ થાય છે. અમે ભ્રષ્ટચાર મુક્ત પાર્ટી છીએ. અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોના નામ જારી કર્યા છે. અમારી પાર્ટી ક્રિમિનાલિટી, કેરેકટર સાથે કોઈ બાંધછોડ કરતી નથી અને કોઈ ઉમેદવારમાં આ વસ્તુ દેખાશે તો અમે તેને દૂર કરવામાં વાર નહીં લગાડીએ.

નોંધનીય છે કે, ગુજરાતમાં 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ રહેશે. કારણ કે એક તરફ છોટુ વસાવાની BTP અને હૈદરાબાદના યાસુદીન ઓવેસીની AIMIM પાર્ટી સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલવાનું નક્કી કર્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસને સીધી ટક્કર મળી શકે છે.

(5:25 pm IST)