Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદમાં મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારી ઉપર ચોકીદારે હૂમલો કરીને ભાઇ સાથે મળીને 44 લાખની લૂંટ ચલાવીઃ 6 શખ્‍સોની ધરપકડ

અમદાવાદ: ચાંગોદર રેલ્વે ક્રોસિંગ પાસે બાઈક પર સવાર મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓ પર લાકડાના દંડાથી હુમલો કરી 6 શખ્સોએ રૂ.44.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં 4થી વધુ આરોપીઓ હોવાથી પોલીસે ધાડની કલમ લગાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 ટીમો બનાવી 5 કલાકના ટૂંકા ગાળામાં જ 6 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં કંપનીના ચોકીદારે ટીપ આપી પોતાના સગા ભાઈ સાથે લૂંટ કરાવ્યાનુ ખુલ્યું હતું. બે ભાઈઓ સહિત 6 આરોપીને ઝડપી પોલીસે રૂ.44.50 લાખની રોકડ રકમ કબ્જે લીધી હતી.

બનાવની વિગત મુજબ તાજપુર પાટિયા પાસે આવેલી મધુ ફ્રેગ્નેન્સ કંપનીના કર્મચારીઓના પગારના રૂપિયા લઈને બાઈક પર જતા ઓપરેટર સંદીપ યાદવ અને સનોજકુમાર શર્મા પર ચાંગોદર રેલ્વે ક્રોસિંગ પાસે લાકડાંના દંડાથી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. સંદીપ યાદવને આરોપીએ હાથ લાકડાનો ફટકો મારતા બાઈક પરથી બન્ને નીચે પટકાયા હતા. એક શખ્સે સનોજકુમારને માથામાં લાકડાનો દંડો મારી બેહોશ કરી નાંખ્યો હતો. હુમલાખોરો રૂ.44.50 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ચાંગોદર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત સનોજકુમારને હોસ્પિટલ લઈ જવાયો હતો. ડૉક્ટરોએ તેના માથામાં 19 ટાંકા લીધા હતા.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમો આરોપીઓને ઝડપી લેવા સક્રિય બની હતી. અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી.કામરીયા અને પીઆઈ વી.ડી.મંડોરાએ ચાંગોદર પોલીસની ત્રણ ટીમ અને એલસીબીની એક ટીમ સહિત 4 ટીમોને કામે લગાડી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓ લૂંટ કરી રહેણાંક વિસ્તારની જગ્યાએ ઝાડીઓ તરફ ભાગ્યા હતા. પોલીસે આરોપીઓને ચારે તરફથી ઘેરી મોબાઈલ ટાવર લોકેશન આધારે પકડ્યા હતા.

પોલીસ તપાસમાં પકડાયેલા 5 આરોપીમાંથી હરદેવએ ઘટસ્ફોટ કર્યો કે, તેનો ભાઈ જીતેન્દ્ર મધુ ફ્રેગ્નેન્સ કોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જીતેન્દ્રએ કંપનીની કર્મચારીઓનો પગાર લઈ બે કર્મચારી શુક્રવારે નીકળવાના હોવાની વાત કરી હતી. હરદેવએ તેના મિત્રોને વાત કરતા તમામ લોકોએ લૂંટની યોજના ઘડી હતી. જે મુજબ કંપનીમાંથી બે કર્મચારી રૂ.44.50 લાખની રકમ ભરેલો થેલો લઈ બાઈક પર નીકળ્યા તે સાથે જીતેન્દ્રએ તેના ભાઈ હરદેવને જાણ કરી હતી.

યોજના મુજબ હરદેવએ સાગરીતો સાથે મળી બાઈક પર સવાર કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. પોલીસે ધાડના ગુનામાં સંડોવાયેલા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર બાબુ પરમાર (ઉં,34) રહે, સિદ્ધિ કેસર સોસાયટી, મોરૈયા ગામ, સાણંદ, તેના ભાઈ હરદેવ બાબુ પરમાર (ઉં,23) રહે, મોરૈયા ગામ, સાણંદ, નરેન્દ્ર દિનેશ વાણીયા (ઉં,21) રહે મોરૈયા ગામ, ભાવેશ બકુલ ભરવાડ (ઉં,21) રહે, દાળ મિલ રોડ, વઢવાણ, સુરેન્દ્રનગર, રાકેશ રમેશ મેર (ઉં,21)રહે, મોરૈયા ગામ, સાણંદ અને સુરેશ પોપટ રાઠોડ (ઉં,20)રહે, મોરૈયા ગામ,સાણંદની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂ.44.50 લાખની રોકડ, એક છરો, બે બાઈક, 6 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

(5:24 pm IST)