Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કલોલ શહેર પોલીસે વીમા યોજના દવાખાના પાછળ બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી 6 બોટલ જપ્ત કરી

ગાંધીનગર: જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે કલોલ શહેર પોલીસે વીમા યોજના દવાખાના પાછળ બાઈક ઉપર દારૃની હેરાફેરી કરતાં શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે આ  શખ્સ પાસેથી વિદેશી દારૃની છ જેટલી બોટલ કબ્જે કરી ૨૧૭૫૨નો મુદ્દામાલ જપ્ત કરી યુવાન દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃ ઘુસાડવામાં આવતો હોય છે અને ત્યારબાદ ખેપિયાઓ મારફતે આ દારૃની ડીલીવરી કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં દારૃના વેચાણ અને હેરાફેરી સંદર્ભે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દરોડાની કાર્યવાહી કરી રહી છે ત્યારે કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક યુવાન બાઈક નં.જીજે-૧૮-સીએસ-૨૧૫૭ ઉપર દારૃની હેરાફેરી કરી રહયો છે. જે બાતમીના આધારે વીમા યોજના દવાખાના પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળું બાઈક આવતાં પોલીસે તેને ઉભું રાખ્યું હતું અને તેના ચાલકની પુછપરછ કરતાં તે ભવનજી પ્રતાપજી ઠાકોર રહે.રાજપુર કડી હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતાં વિદેશી દારૃની છ બોટલ મળી આવી હતી. જેથી દારૃ અને બાઈક મળી પોલીસે ર૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને આ શખ્સ દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી હતી.

(4:26 pm IST)