Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

દહેગામ તાલુકાના સગદલપુર નજીક સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત 32 હજારની મતા ચોરી છુમંતર.....

દહેગામ:તાલુકાના સગદલપુર ગામે આવેલી સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો તેમાંથી ચાંદીના દાગીના અને રોકડ મળી ૩૨ હજારની મત્તા ચોરી લીધી હતી તો ભંગારની દુકાનમાંથી પણ તસ્કરો તાંબાના સાત કિલોના ત્રણ હજારની કિંમતના ટુકડા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે રખિયાલ પોલીસમાં ગુનો નોંધાતાં પોલીસે તસ્કરોને પકડવા  માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે દહેગામ પંથક પણ તસ્કરોના હાથફેરાથી બાકાત રહયું નથી. અહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આંતરે દીવસે ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલ અમદાવાદના નરોડા ખાતે શ્યામશિખર એપાર્ટમેન્ટમાં રહેતા અને દહેગામના સગદલપુર ખાતે અમરકુંજ સોસાયટીમાં મકાન ધરાવતાં રજનીકાંત કાંતિલાલ શાહ રખિયાલની મીલમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. તેઓ સગદલપુરના મકાનમાં પણ રોકાતાં હોય છે. ગત મંગળવારના રોજ તેઓ તેમનું મકાન બંધ કરીને અમદાવાદ ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના સગદલપુરના બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી ચાંદીના દાગીના અને રોકડ મળી ૩ર હજારની મત્તા ચોરી લીધી હતી અને સામાન પણ વેરવીખેર કરી દીધો હતો. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ચોરીનો અંદાજ આવી ગયો હતો. તો બીજી બાજુ સગદલપુરમાં ભંગારનું કામ કરતાં સાવનભાઈ આચાર્યની દુકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સાત કિલોના તાંબાના વાયર ચોરી ગયા હતા. જેથી આ મામલે રખિયાલ પોલીસે ૩૪૮૦૦ની મત્તાની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(4:24 pm IST)