Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સ્વ.માધવસિંહ સોલંકીએ સાહિત્ય- પત્રકારત્વ- રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને રાજય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યકત કરીને શ્રદ્ઘાંજલી અર્પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વ. માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પી :  રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીનું અવસાન થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે તેમના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. રાજયમંત્રી મંડળની બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સ્વ. માધવસિંહ સોલંકીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૯ : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અઘ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં  પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવવામાં આવી હતી

 મંત્રી મંડળ ના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકી ના સન્માન માં બે મિનિટ નું મૌન પાળી દિવંગત આત્મા ની પરમ શાંતિ ની પ્રાર્થના કરી હતી .

 રાજય મંત્રી મંડળે પૂર્વ મુખ્ય મંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી પદ દરમ્યાન ની સેવાઓ તેમજ જાહેર જીવન અને સમાજ જીવન માં તેમના સેવાકીય પ્રદાનની  સરાહના કરતા શોક દર્શક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો ..

 આ પ્રસ્તાવ અક્ષર સહ આ મુજબ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને રાજયના અગ્રણી રાજનેતા શ્રી માધવસિંહ સોલંકીનું તા.૦૯/૦૧/૨૦૨૦ના રોજ ૯૪ વર્ષની વયે ગાંધીનગર ખાતે થયેલ દુઃખદ અવસાનથી સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે .

  શ્રી માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦મી જુલાઈ,૧૯૨૭ના રોજ મહેસાણા જિલ્લાના પિલુન્દ્રા ખાતે થયો હતો .  

 તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત ૧૯૪૭થી કરેલ હતી. તેઓ ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં   ત્યારબાદ સને ૧૯૮૧ થી ૧૯૮૫ અને ૧૯૮૯ થી ૧૯૯૦ના સમયગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ. તેઓએ ચાર વખત ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ.

તેઓએ સને ૧૯૯૧-૯૨ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ સેવાઓ બજાવેલ હતી.

 સ્વ.શ્રી માધવસિંહ સોલંકીએ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનમાત પ્રથા રજુ કરેલ હતી. ગુજરાત રાજયની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર સૌપ્રથમ તેઓએ રજુ કરેલ હતો. 

 સ્વ.શ્રી માધવસિંહ સોલંકી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ કાર્યરત હતા. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું.

 તેઓશ્રીની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. શ્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે રાજય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરે છે.

(2:45 pm IST)