Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સોમવારે સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના સઠવાવ ખાતે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરાશે

રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ ઍકર વિસ્તારને સિંચાઈનો લાભ થશેઃ માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમાં સમૃદ્ઘિનો સૂરજ ઉગશેઃ દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણઃ ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે

રાજકોટ, તા. ૯: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા.૧૦મી જાન્યુ.એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ રૂ. ૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના'નું લોકાર્પણ કરશે એ સાથે જ માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધાનો નવો આયામ રચાશે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ૬૧ ગામોના ૨૦૫૨૫ એકર તથા માંગરોળ તાલુકાના ૨૮ ગામોના ૨૮૯૭૫ એકર વિસ્તાર મળી કુલ ૮૯ ગામોના કુલ ૪૯૫૦૦ એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. તેમજ ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. જેથી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધાથી કિસાન સમૃદ્ધિનો સૂરજ ઉગશે.

             દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણરૂપ આ યોજનામાં કુલ ૩૨ કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે  સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થયું હતું. 

               ડુંગરાળ પ્રદેશમાં આ યોજનાનું બાંધકામ હોવા છતાં ભૌગોલિક પડકારોનો  સામનો કરી તથા કોરોના જેવી મહામારીમાં પણ કામ અવિરતપણે જારી રાખી યોજના સાકાર કરવામાં આવી છે. આ યોજનામાં કાકરાપાર વિયર ખાતે પ્રથમ પમ્પીંગ સ્ટેશન તથા  ગોરધા વિયર પાસે બીજું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

               આ યોજનામાં કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી ૫૦૦ ક્યુસેક્સ પાણી ઉપાડી ૧૦ ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપલાઇનથી ગોરધા વીયર અને ગોરધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ જ પાણી કુલ ૩૬૮ ફૂટ જેટલી એટલે કે ૩૭ માળના મકાન જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે.        

              ઉકાઇ જળાશયમાં દર વર્ષે વિપુલ જથ્થામાં પાણી આવે છે. જેથી આ યોજના મારફત માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇથી વંચિત વિસ્તારોમાં પુરતા જથ્થામાં સિંચાઇ માટે પાણી આપી શકાશે. યોજનામાં પાઇપલાઇનની નજીક આવતા ૬ કોતરોમાં પાણી નાખી ૩૦ ચેકડેમ ભરાશે. માંડવી તાલુકાના સઠવાવ તથા માંગરોળ તાલુકાના પાતાલદેવી ગામના મોટા તળાવો ભરાશે. ત્રણ મધ્યમ ડેમ ગોરધા વીયર, લાખીગામ ડેમ અને ઇસર ડેમ પણ આજ જળથી ભરવામાં આવશે.  

(2:14 pm IST)