Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

૧૦ મહિનાના લાંબા 'વેકેશન' બાદ

સોમવારથી શાળા - કોલેજો ખુલશે પણ વર્ગખંડમાં હાજરી ઓછી જોવા મળશે

વાલીઓ - વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં : વેઇટ એન્ડ વોચના મોડમાં છે

નવી દિલ્હી તા. ૯ : સોમવારથી ગુજરાતમાં શરૂ થનારી સ્કૂલો અને કોલેજોને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓના મોડમાં છે. એક બાજુ સરકારને એવી આશા છે કે ૧૦ મહિના પછી શરૂ થનારી સ્કૂલોમાં ભણવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ જરુર આવશે જયારે બીજી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ હજુ પણ સાવચેતી રાખવાના મૂડમાં છે. આ વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલો અને કોલેજો ભલે ખૂલી જતી પરંતુ કલાસરુમમાં હાજરી તો પાંખી જ રહેશે.

મોટાભાગે સોમવારથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખૂલી રહી છે. પરંતુ સામેની બાજુ આ વિદ્યાર્થીઓનો મોટાભાગનો કોર્સ ઓનલાઇન કલાસીસમાં જ પૂર્ણ થઈ ગયો છે. તેવામાં વિદ્યાર્થીઓ ભાગ્યે જ સ્કૂલમાં ફિઝિકલી આવવાનું પસંદ કરશે. તો કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશનના અંતિમ વર્ષમાં છે તેમના માટે જ કલાસરૂમ અભ્યાસ ખૂલશે. જેને લઈને હાયર એન્ડ ટેકિનકલ એજયુકેશનના સેક્રેટરી અંજુ શર્માએ જણાવ્યું કે ૭૦ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં જોવા મળશે.

જયારે સ્કૂલોની બાબતોમાં કરવામાં આવેલ સર્વેમાં માત્ર ૨૫ ટકા પેરેન્ટ્સ જ છે જેમણે પોતાના બાળકોને કલાસરૂમમાં ફિઝિકલ અભ્યાસ માટે મોકલવાની ઇચ્છા દર્શાવી છે. જો આગામી દિવસોમાં વેકસીન આવે અને કોરોનાની સ્થિતિમાં સુધાર આવે તો જ વધુ સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલવા તૈયાર થશે તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ રૂલરના શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે કહ્યું કે, 'અમદાવાદ ગ્રામ્યમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં પણ ૨૫ ટકા જ વાલીઓ પોતાના બાળકોને ૧૧ જાન્યુઆરીથી શરૃં થતી સ્કૂલોમાં મોકલવા તૈયાર છે. ૭૫૦૦૦થી ૮૦૦૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૨૦૦૦૦ વિદ્યાર્થીઓને જ તેમના વાલીઓ તરફથી સ્કૂલોમાં જવા માટેનું ન વાંધા પત્રક મળી શકે છે.' તેમણે કહ્યું કે શહેરી વિસ્તારમાં પણ સ્થિતિ એક સમાન જ રહેશે.

ગુજરાત રાજય શાળા સંચાલક સંઘના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, '૪૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં કલાસરૂમ સ્ટડિઝમાં જોવા મળશે નહીં. બોર્ડના વિદ્યાર્થીઓના તો મોટાભાગના કોર્સ ઓનલાઈન કલાસીસમાં પૂરા કરી દેવામાં આવ્યા છે. તેમને જો કોઈ ડાઉટ હશે તો તે જ દૂર કરવા માટે સ્કૂલે આવશે બાકી આવશે નહીં.'

બીજી તરફ સ્કૂલ અને કોલેજોએ ફરી ખૂલવા સાથે કોરોનાને લઈને રાજય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(SOP)નું ચુસ્તપણે પાલન કરવું પડશે. એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલના પ્રમુખ મનન ચોકસીએ કહ્યું કે, 'તેમના સર્વે મુજબ સોમવારથી માંડ ૩૦-૩૫ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હાજરી આપશે. જયારે CBSEના વિદ્યાર્થીઓ માટે તો હાલ ઓનલાઈન પરીક્ષાઓ શરૃં હોવાથી કલાસરુમમાં ફિઝિકલ હાજરી માટે હજુ થોડો સમય લાગશે. CBSEના વિદ્યાર્થીઓની હાજરી ૧૮ જાન્યુઆરી પછી જોઈ શકાશે કારણ કે હાલ તેમની પરીક્ષાઓ ચાલી રહી છે.'

(11:55 am IST)