Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મંગળવારથી મત મશીન ચકાસણીઃ ઓનલાઇન ઉમેદવારી કરી શકાશે

ચૂંટણીમાં કુલ ૧.૨૦ લાખથી વધુ ઇ.વી.એમ.નો ઉપયોગ : ૮૦૦ ચૂંટણી અધિકારીઓ ફરજ પર : ૨૦૧૫ની ચૂંટણીમાં કોર્પોરેશન વિસ્તારમાં ૧૧૫૮૧, નગરપાલિકા વિસ્તારમાં ૪૪૪૯૮, તાલુકા પંચાયત વિસ્તારમાં ૩૧૩૪૫ અને જિલ્લા પંચાયત મતક્ષેત્રમાં પણ ૩૧૩૪૫ મળી કુલ ૧,૧૮,૭૬૯ ઇ.વી.એમ. મૂકાયેલા : આ વખતે તેનાથી વધુ ઇ.વી.એમ.ની જરૂર પડશે : ચૂંટણી પંચના કમિશનર સંજયપ્રસાદ અને સચિવ મહેશ જોષીની રાહબરીમાં ચૂંટણીની તૈયારીને વેગ

રાજકોટ તા. ૯ : રાજ્યમાં લોકશાહીના વિરાટ પર્વ સમાન પાલિકા, પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કમિશનર શ્રી સંજયપ્રસાદ અને સચિવ શ્રી મહેશ જોષીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે. તા. ૧૨મીથી ઇલેકટ્રોનિક વોટીંગ મશીનનું પ્રથમ તબક્કાનું ચેકીંગ શરૂ થશે. ઉમેદવારો માટે ઓનલાઇન ઉમેદવારીની સુવિધા મળનાર છે.

રાજ્યમાં ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં ૪૭૪૦૦ જેટલા મતદાન મથકો હતા. આ વખતે મતદારોનો વધારો થયો છે તેમજ ફેબ્રુઆરીમાં જેની મુદ્દત પુરી થઇ રહી છે તે ૨૬ નગરપાલિકાઓની ચૂંટણી પણ સાથે થવાની છે. તેથી મતદાન મથકો અને સ્ટાફની સંખ્યા વધશે. ૨૩૧ તાલુકા પંચાયતો, ૩૧ જિલ્લા પંચાયતો, ૮૧ નગરપાલિકાઓ અને ૬ કોર્પોરેશનોની ચૂંટણી યોજાનાર છે. કુલ દોઢેક લાખ ઇવીએમના ઉપયોગનો અંદાજ છે.  મતદાન મથક દિઠ એક-એક મત મશીન ઉપયોગમાં લેવાશે. તાલુકા - જિલ્લા પંચાયતના મતદારોએ બબ્બે મત આપવાના હોવાથી તેવા કેન્દ્રોમાં બબ્બે મશીન મૂકાશે. જ્યાં ૧૬થી વધુ ઉમેદવારો હોય તેવા વોર્ડ કે મતદાર મંડળમાં વધારાના મત મશીન મૂકાશે. કુલ જરૂરીયાત કરતા ઓછામાં ઓછા ૧૦ ટકા વધારાના મત મશીન તૈયાર રાખવાની જોગવાઇ છે. આ વખતે ઉમેદવારો વધારાની સુવિધા તરીકે ઓનલાઇન ઉમેદવારી પત્ર ભરી શકશે. રૂબરૂ ઉમેદવારી રજુ કરવાની મૂળ વ્યવસ્થા યથાવત જ રહેશે. ઓનલાઇન ઉમેદવારી અંગેના નિયમો - શરતો ચૂંટણી પંચ ટુંક સમયમાં જાહેર કરશે.

(11:55 am IST)