Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડ માટેનું ૬૮૭.૫૮ કરોડનું બજેટ રજૂ

વિશ્વ સ્તરની ૧૦ હાઇટેક, ૨૫ સ્માર્ટસ્કૂલ બનશે : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની બેઠકમાં બજેટ રજૂ કરાયું : ગત વર્ષ કરતા બજેટમાં ૨૧ કરોડ સુધીનો વધારો

અમદાવાદ, તા.૯ : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એલડી દેસાઈએ સ્કૂલ બોર્ડની બેઠકમાં રજૂ કર્યું હતું. હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના નવા લક્ષ્યાંકો સાથે આ વર્ષનું કુલ રૂપિયા બજેટ ગત વર્ષ કરતા ૨૧ કરોડના વધારા સાથે રૂપિયા ૬૮૭.૫૮ કરોડનું રજૂ કર્યું છે.

નવા બજેટ મુજબ, અમ્યુકો સ્કૂલ બોર્ડ વિશ્વકક્ષાની ૧૦ હાઇટેક અને ૨૫ સ્માર્ટ સ્કૂલ બનાવશે અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાનો અનોખો પ્રયાસ કરશે. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં વિદ્યાર્થીના વિકાસ અને શાળાના વિકાસ પાછળ ૧૩૬ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે ૨૦ નવી શાળાઓ બનાવવામાં આવશે. ખાસ કરીને ૧૦ હાઇટેક શાળાઓ તેમજ ૨૫ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી ૩૮૭ શાળાઓ ૬ માધ્યમમાં કુલ ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

            ગત વર્ષે મ્યુનિસિપલ બોર્ડનું રૂપિયા ૬૬૮ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. પાંચ કરોડનો વધારો કરીને આ વખતનું બજેટ રૂ.૬૭૩ કરોડનું કરાયું છે. ગત વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતિઓ પાછળ ૮.૭૮ ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે ૧૧ ટકાનો વધારો કરતા ૧૯.૭૮ ટકા ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં ૧૨ કરોડ રૂપિયા શાળાની સજ્જતા, જિલ્લા પંચાયત હસ્તકની નવી ૧૦૯ શાળાઓનું હસ્તાન્તરણ અને તેમના કર્મચારીઓના પગારભથ્થા તેમજ નવીનીકરણ પાછળ ૩૪ કરોડ સહિત ૧૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે, વિપક્ષના વિરોધ વચ્ચે સ્કૂલ બોર્ડના અધિકારીઓએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષે બજેટમાં સૂચનો કરવા ૧૦ દિવસનો સમય માંગ્યો હોવા છતા અધિકારીઓએ એ માંગ અવગણીને સ્કૂલ બોર્ડના ચેરમેનને બજેટ મંજૂરી માટે મોકલી આપ્યું છે.

(9:47 pm IST)