Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હવે દિવાન બલ્લુભાઈ શાળાને ૧૦ હજારનો કરાયેલ જંગી દંડ

મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોતનો ચક્ચારભર્યો કેસ : દિવાન બલ્લુભાઇ સ્કૂલના આચાર્ય અને સંચાલકો ડીઇઓ સમક્ષ હાજર થયા : પ્રવાસ માટેની મંજૂરી લેવાઇ ન હતી

અમદાવાદ,તા. ૯ : કાંકરિયા સ્થિત દીવાન બલ્લુભાઈ સ્કૂલ દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલા પ્રવાસ દરમિયાન વડોદરામાં જીમીલ ગોપાલભાઇ કવૈયા (ઉ.વ.૧૨) રાઇડમાંથી માથું બહાર કાઢતાં વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે આજે દીવાન બલ્લુભાઈ સ્કૂલના આચાર્ય અને સંચાલકો ડીઇઓ ઓફીસમાં હાજર થયા હતા. જ્યાં આચાર્ય અને સંચાલકોએ પ્રવાસ માટે ઠરાવ મુજબ મંજૂરી લેવામાં આવી નહોતી અને પ્રવાસ સંદર્ભે કચેરી(ડીઇઓ)ને માત્ર જાણ કરાઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ સરકારી સૂચનાનું પાલન ન કરતા ડીઇઓ દ્વારા દીવાન બલ્લુભાઈ સ્કૂલને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, ડીઇઓએ મૃતક વિદ્યાર્થીના વાલીને વિદ્યાર્થી વીમા યોજના મુજબ મદદ કરવાનો પણ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી વીમા યોજના અંતર્ગત વિદ્યાર્થીને રૂ. ૫૦ હજારનું વળતર આપવામાં આવે છે. થોડા દિવસ પહેલાં જ દીવાન બલ્લુભાઇ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અર્થે પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી મહી વોટર રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ધોરણ-૮માં અભ્યાસ કરતો જીમીલ ગોપાલભાઇ કવૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓ બસ રાઇડ્સમાં બેઠા હતા. ગોળ-ગોળ ફરતી બસ રાઇડમાંથી જીમીલે માથું બહાર કાઢતાં રાઇડની બાજુમાં ઉભા કરાયેલ પોલમાં તેનું માથું ભટકાતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. ત્યાર બાદ શિક્ષકો દ્વારા જીમીલને તુરંત જ ડભાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા જુના પાદરા રોડ સ્થિત હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચકચારભર્યા આ કેસમાં આજે ડીઇઓ દ્વારા શાળા વિરૂધ્ધ દંડનીય કાર્યવાહીને પગલે શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.

(9:45 pm IST)