Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જન્મજાત બિમારી ધરાવતી યુવતી ઉપર હૃદયની સર્જરી

યુવતીને એટ્રિયલ સેપ્ટલ ડિફેકટની બિમારી હતી : યુવતીની નબળી આર્થિક સ્થિતિના લીધે મા-યોજના હેઠળ નારાયણા હોસ્પિટલ નિષ્ણાત દ્વારા કરાયેલ સફળ સર્જરી

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરની નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ (એએસડી)ની જન્મજાત બીમારી ધરાવતી ૨૪ વર્ષીય યુવતીની સફળ ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવી છે. આ બીમારીને સામાન્ય રીતે હૃદયમાં કાણું હોવાની બીમારી તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીમાં હૃદયમાં ઉપરની બાજુની બે દીવાલો વચ્ચે એક નાનું કાણું હોય છે, અને તેના કારણે દરદીના શરીરમાં લોહીને હૃદય સુધી પહોંચાડવામાં હૃદયને ખૂબ જ મહેનત પડે છે, જેથી તેનું આરોગ્ય કથળે છે. જો કે, નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે ભારે કાળજી સાથે યુવતીના હૃદયની સફળ સર્જરી કરી હતી. એટલું જ નહી, યુવતીની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે મા-યોજના હેઠળ તેની સારવાર કરી અનોખી પ્રેરણા પૂરી પાડી હતી.

             ૨૪ વર્ષની આ યુવતીને નાનપણથી એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ (એએસડી)ની જન્મજાત બીમારી હતી અને તેનાં લક્ષણો વધી જતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અવાર-નવાર તેને શ્વાસ લેવામાં મુશ્કેલી લાગતી હતી તથા ખૂબ જ થાક લાગતો હતો. દર્દીનો પરિવાર આર્થિક રીતે વધારે સધ્ધર નહી હોવાથી સમયસર સારવાર કરાવી ન શકવાથી દર્દીએ મા-યોજના હેઠળ સારવારનો વિકલ્પ પસંદ કર્યો હતો. આરોગ્યની પ્રારંભિક તપાસ બાદ તેને વધુ સારવાર માટે નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ કરાઈ હતી. નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદના કન્સલ્ટન્ટ કાર્ડિયાક સર્જન ડો.પ્રિયંક ભટ્ટ અને તેમની ટીમે આ યુવતી દર્દી માટે પરંપરાગત ઓપન હાર્ટ સર્જરી કરવાનું ટાળ્યું હતું, જેમાં દર્દીના અસરગ્રસ્ત અંગ સુધી પહોંચવા માટે સ્ટર્નમ નીચે ઊભો ચીરો મૂકવામાં આવે છે, પરંતુ તેમણે સૌથી ઓછી વેદના આપતી પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેમાં છાતીના જમણા ભાગ નીચે નાનકડો ચીરો મૂકવામાં આવે છે.

                સફળ સર્જરી બાદ ડો.પ્રિયંક ભટ્ટે જણાવ્યું કે, દર્દીને આ પદ્ધતિમાં ખૂબ જ ઓછું લોહી વહે છે, ખૂબ જ ઓછી વેદના થાય છે અને ઝડપથી રિકવરી આવી જાય છે, તેથી અમે આ વિકલ્પ પસંદ કર્યો હતો. વળી, આ પદ્ધતિમાં દર્દીના શરીર પર સૌથી ઓછા ડાઘ રહે છે તથા તે સામાન્ય જીવન જીવી શકે છે. આ સર્જરીમાં અમે દર્દીના હૃદયમાં એક પેચ મૂકીને તેની સર્જરી કરી હતી. આવી સામાન્ય જન્મજાત હૃદયની ખામી ધરાવતા દર્દીઓને પૅચ મૂકવાથી તેઓ મોટી વયે પણ સારી રીતે તંદુરસ્ત, સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે. લગભગ બે કલાક ચાલેલી સર્જરી બાદ પાંચ દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને હવે તે તદ્દન સામાન્ય અને તંદુરસ્ત રીતે પોતાનું દૈનિક સક્રિય જીવન સહેલાઈથી જીવે છે. એટ્રિયલ સેપ્ટલ ડિફેકટ(એએસડી) યુવાન વયના દર્દીઓને અસર કરનારી બીજા ક્રમની સામાન્ય જન્મજાત હૃદયની બીમારી છે.

(9:41 pm IST)