Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરતમાં ફરી લકઝરી બસનો નંબર બદલી,એન્જીન-ચેસિસ નંબરમાં ચેડાં કરી ટ્રાવેલ્સમાં બસ ફેરવવાનું કૌભાંડ ઝડપાયું

ત્રણ વર્ષ સુધી લક્ઝરી બસ ફેરવી આર.ટી.ઓને 19.67 લાખનો ચૂનો ચોપડનાર ચાર વિરુદ્ધ ફરિયાદ

સુરતમાં ફરી લક્ઝરી બસનો નંબર બદલી ,એન્જીન-ચેસીસ નંબરમાં ચેડાં કરી ટ્રાવેલ્સમાં બસ ફેરવવાનું કૌભાંડ ઝડપાયું છે ત્રણ વર્ષ સુધી આવી લક્ઝરી બસ ફેરવી આર.ટી.ઓને રૂ.19.67 લાખનો ચૂનો ચોપડનાર ચાર વિરૂદ્ધ સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 આ અંગેની વિગત મુજબ વરાછા રહેતા ચેતનભાઈ વિઠ્ઠલભાઈ હિરપરાએ થોડા મહિના પહેલા એસીપીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી ,કે તેમણે પોતાની માલિકીની લક્ઝરી બસ (નં.જીજે-05-એયુ-9300) બે વર્ષ અગાઉ મિત્ર વિનોદભાઈ રણછોડભાઈ ભરવાડને વેચી હતી અને તેનો રજીસ્ટ્રેશન નંબર બદલી જીજે-14-ડબલ્યુ-777 રાખી તેના એન્જીન અને ચેસીસ નંબર બદલી નાખી કેટલાક તેને ટ્રાવેલ્સમાં ફેરવી રહ્યા છે. આ લકઝરી બસ સરથાણા જકાતનાકા, વાલક પાટીયા પાસે આવે છે અને ખોડીયાર પાર્કિંગમાં ઉભી રહે છે. ચેતનભાઈની રજુઆતને પગલે એસીપીએ ડીવીઝને વરાછા પોલીસ મથકના સર્વેલન્સસ્ટાફના કહેતા તેમણે ખોડીયાર પાર્કિંગમાં જઈ તપાસ કરી હતી. ત્યાં બસ મળતા તેનો કબજો સુરેશભાઈ રમેશભાઈ વેકરીયા પાસે હોવાની તેમજ બસ રણછોડભાઈ રેવાભાઈ ભુરખીયા ના નામે હોવાની વિગતો બહાર આવિભતી. પોલીસે સુરેશભાઈ પાસે બસની આર.સી.બુક મંગાવી ચકાસતા તેમણે બસ નં.જીજે-1 -ડબલ્યુ-777 ની આર.સી.બુક રજુ કરી હતી.

તેમાં લખેલાં એન્જીન-ચેસીસ નંબર બસ ઉપર લખેલા નંબર સાથે મેળ ખાતા હતા. પરંતુ ચેસીસ નંબરની પ્લેટ જૂની અને તેમાં છેડછાડ થઇ હોવાનું લાગતાં પોલીસે ચેતનભાઈની જાણવા જોગની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે બસને એફ.એસ.એલમાં પરીક્ષણ માટે મોકલતા સ્પષ્ટ થયું હતું કે, એન્જીન-ચેસીસ નંબર અનિયમિત રીતે પંચ કર્યા છે અને ચેસીસ નંબરની પટ્ટી વેલ્ડીંગ કરેલી છે. બાદમાં પોલીસે આરટીઓમાં તપાસ કરાવતા માર્ચ 2017થી 30 નવેમ્બર 2019 દરમિયાન રૂ.19,66,734 નો ટેક્ષ નહીં ભરી સરકાર અને આરટીઓને ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તાત્કાલિક પોલીસે સરથાણા પોલીસે બસ માલિક સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સાથે પોલીસે બસ પણ કબ્જે કરી છે અને તપાસ શરૂ કરી છે

(8:13 pm IST)