Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વડોદરાના ગોરવા પાસેથી આઈએસઆઈએસનો જફર અલી નામનો આતંકી પકડાયો : ગુજરાત એટીએસને મોટી સફળતા : આતંકી તામિલનાડુ પંથકનો રહેવાસી

આતંકી કોના સંપર્કમાં હતો તેની તપાસ શરૃ : ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો આતંકવાદી : અગાઉ તમિલનાડુ કેસમાં વોન્ટેડ છે : બેંગાલુરુમાંથી ઝડપાયા હતા ૩ પિસ્ટલ અને ૯૦ રાઉન્ડ ગોળીઓ

અમદાવાદ, તા.૯ : વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી ગુજરાત એટીએસએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી આઇએસઆઇએસ માટે કામ કરતો હોવાની ચોંકાવનારી માહિતીનો ખુલાસો સામે આવતાં હવે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. એટીએસની તપાસમાં એવી પણ સંવેદનશીલ માહિતી સામે આવી હતી કે, છેલ્લા કેટલાક સમયથી આ આંતકવાદી ઝફર અલી અહીં રહી ગુજરાતમાં આઇએસઆઇએસનું નેટવર્ક સ્થાપવાની ફિરાકમાં હતો. જેથી એટીએસના અધિકારીઓએ તે દિશામાં પણ બહુ મહત્વની અને ગંભીર તપાસ હાથ ધરી છે. દિલ્હીમાં આજે ઝડપાયેલા ત્રણ આંતકવાદીઓની સઘન અને ઝીણવટભરી પૂછપરછ અને તપાસમાં વડોદરાના ગોરવા પાસે રહેતા આંતકી ઝફર અલીનું નામ ખૂલ્યું હતું અને તેને પગલે એટીએસની ટીમે આંતકવાદી ઝફરને ઉઠાવ્યો હતો.

               દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે વજીરાબાદ ખાતેથી ત્રણ આંતકવાદીઓની ધરપકડ કરી હતી કે જેઓ અગાઉ પણ આંતકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને ૨૦૧૪માં એક હિન્દુ નેતાની હત્યામાં પણ સંડોવણી ધરાવતાં હોવાની વાત સામે આવી હતી. આ ત્રણેય આંતકવાદીઓ પાસેથી હથિયારો પણ પકડાયા હતા. પોલીસની તપાસમાં આ આંતકવાદીઓ પાસેથી ગુજરાતમાં રહેતા અને આઇએસઆઇએસની આંતકવાદી પ્રૃવત્તિ સાથે સંકળાયેલા  આંતકવાદી ઝફર અલીનું નામ ખૂલ્યું હતું. જેને પગલે ગુજરાત એટીએસની ટીમે  વડોદરાના ગોરવા પાસેથી આંતકવાદી ઝફરને ઝડપી લીધો હતો. એટીએસની તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. પોલીસે આ જ મોડ્યુલનો આતંકી છે કે કેમ તે દિશામાં એટીએસએ પૂછપરછ શરૂ કરી છે. વળી, ગુજરાતમાં તેની આંતકવાદી પ્રવૃત્તિ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને તેને કોણ કોણ મદદગારી કરી રહ્યું હતુ તે સહિતની બાબતોની એટીએસએઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(11:02 pm IST)