Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં: કેમ્‍પસમાં ભરબપોરે દારૂની મહેફીણ માણતા બે નબીરા અને એક યુવતિ ઝડપાયા

વડોદરા :વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે હવે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં ભર બપોરે એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીઓ દારૂની મેહફિલ માણતા ઝડપાયા છે. એક વિદ્યાર્થીનો જન્મદિવસ હોવાથી દારૂની પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. આ પાર્ટીમાં એમ એસ યુનિવર્સિટીના વિજિલન્સના સભ્યોએ રેડ પાડીને તમામ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા.

વિજિલન્સના સભ્યોએ વિદ્યાર્થીઓને દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડી પાડયા છે. ત્યારબાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે દારૂની મેહફિલ માણતા પકડાયેલ એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થી ભૌમીન પટેલ, ઉમેશ ખંભડની ધરપકડ કરાઈ હતી. જેના બાદ તેઓને જામીન પર છોડી મૂકાયા હતા. પોલીસે વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલો પણ જપ્ત કરી છે.

એમ એસ યુનિવર્સિટીના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ જોવા મળ્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશોએ સમગ્ર મામલે પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને દારૂની મહેફિલમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. યુનિવર્સિટીમાં ભર બપોરે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાતા યુનિવર્સિટીની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓ દારૂ ક્યાંથી લાવ્યા તે પણ પોલીસ માટે તપાસનો વિષય છે.

(4:50 pm IST)