Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નવજાત શિશુના મોત-મોંઘવારી-પાક વિમા સહિતના મુદે ચર્ચા માટે વિધાનસભા સત્ર લંબાવવા કોંગ્રેસ દ્વારા રાજયપાલને રજુઆત

અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતની આગેવાનીમાં આવેદન

રાજકોટ તા. ૯ :.. હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોત મોંઘવારી, પાક વિમા સહિતના  મુદ્ે ગુજરાત વિધાનસભાનું સત્ર લંબાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભઇ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ેનેતા પરેશભાઇ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા સહિતની આગેવાનીમાં રાજયપાલ શ્રીને આવેદન પત્ર પાઠવીને સત્ર લંબાવવા માંગણી કરી છે.

બાળ મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ સામે આવતાં વિપક્ષે કાગારોળ મચાવી છે. એટલું જ નહીં, કોંગ્રેસના પ્રતિનીધી મંડળે રાજયપાલ સાથે મુલાકાત કરીને શિશુ મોત, મોંઘવારી, પાકવિમો સહિતના મુદાઓને લઇને વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા થાય તે માટે સત્ર લંબાવવા માંગણી કરી હતી. આ ઉપરાંત સીએએના કાયદો પણ વિધાનસભામાં પસાર કરવામાં ન આવે તે માટે રજુઆત કરાઇ હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્યોએ રાજયપાલ આચાર્ય દેવર્વત સાથે મુલાકાત કરી આવેદનપત્ર સુપરત કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ એવી રજુઆત કરી હતી કે, ગુજરાતમાં આરોગ્ય સેવાઓની સ્થિતી કથળી રહી છે.

અમદાવાદ અને રાજકોટની સીવીલમાં એક મહિનામાં જ ર૧૯ નવજાત શિશુઓના મોત નિપજયા છે. રાજય આરોગ્ય સેવાઓ પાછળ સરકાર ૧૧ હજાર કરોડનો ખર્ચ કરી રહી હોય અને મુખ્યમંત્રીના મત વિસ્તારમાં સીવીલ હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે ઇન્કયુબેટર પર ન હોય તે જ ઉજાગર કરે છે કે, આરોગ્યની સ્થિતી કેવી છે. આજેય રાજયમાં ૧.૪ર લાખ બાળકો કુપોષણનો  શિકાર છે. દર વર્ષે ૩૬ હજાર નવજાત બાળકો મોતને ભેટે છે. આ ઉપરાંત રાજય સરકારે ખાનગી વિમા કંપનીઓને પ્રિમીયમ પેટે રૂ. પ૪૪૮ કરોડ, કેન્દ્ર સરકારે રૂ. પ૩૧ કરોડ અને ખેડૂતોએ ૧૪૭૬ કરોડ પ્રીમીયમ ચુકવ્યું છે. ત્યારે ખાનગી વિમા કંપનીઓ આજે ખેડૂતોને નજીવો પાક વિમો ચુકવે છે. ખાનગી વિમા કંપનીઓ કરોડો રૂપિયા નફો રળી રહી છે. રાજયમાં અતિવૃષ્ટિને કારણે લાખો હેકટરમાં ખેતીને નુકશાન થયું છે. ત્યારે હજુય ખેડૂતને સહાય ચુકવાઇ નથી.

કોંગ્રેસ આ તમામ મુદ્ે વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા કરવા સત્ર લંબાવવા માંગ કરી છે.

(3:33 pm IST)