Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

આઈપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત

અમિતભાઈના આગમનના એંધાણઃ આઈપીએસ બદલીની ફાઈલને ગતિ આવી

જે તે જગ્યા પર જ બઢતી આપી શકાય તેમ ન હોવાથી ૧૩ એસપીઓનો ઉધ્ધાર થશેઃ કેશવકુમારની ડીજી તરીકેની બઢતી આડેના વિલંબ સહિતની બાબતે આઈપીએસ અધિકારીઓમાં ખાનગીમાં જોરદાર ચર્ચાઓ : એસપી કક્ષાએ ધરખમ ફેરફારોઃ ડીઆઈજી-આઈજી તથા રેન્જ લેવલના ફેરફારો સાથે મહત્વના શહેરના જેસીપીની બદલીઓ અંગેની અફવાઓ આગની જેમ પ્રસરી છે

રાજકોટ, તા. ૯ :. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગુજરાત શનિવારે આવી રહ્યાના એંધાણના પગલે પગલે આઈપીએસ કક્ષાએ એસ.પી.થી લઈ ડી.જી.પી. કક્ષાના અધિકારીની લાંબા સમયથી તોળાતી બદલી ફાઈલ વેગવંતી બન્યાનું આઈપીએસ વર્તુળોમાં ચર્ચાય રહ્યુ છે. અત્રે યાદ રહે કે એસપી કક્ષાના ૧૩ જેટલા અધિકારીઓને ડીઆઈજી કક્ષાએ બઢતી આપવા સાથે એસ.પી. કક્ષાએ મોટી બદલીઓ અને એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર મોસ્ટ એવા એસીબી વડા કેશવકુમાર તથા વિનોદ મલને ડીજીપી કક્ષાએ બઢતી સાથે ધરખમ ફેરફારો થનાર હોવાની ચર્ચાનો ચિચોડો જોરશોરથી ફરવા લાગ્યો છે.

એસ.પી. કક્ષાએ જેઓ ડીઆઈજીની બઢતી માટે હક્કદાર બન્યા છે તેમા જામનગરના એસ.પી. શરદ સિંઘલ, અમદાવાદ ગ્રામ્યના રાજેન્દ્ર વી. અસારી, સી.એમ. સિકયોરીટીના ચિરાગ કોરડીયા, રેલ્વેના નિલેશ જાજડીયા તથા અમદાવાદના પાંચ ડીસીપી કક્ષાના અધિકારીઓ પી.એ. માલ, આર.એફ. સાંગડા, બિપીન આહિર, એ.જી. ચૌહાણ તથા રાજ્યભરમાં ચકચારી બનેલ એનએસયુઆઈ તથા વિદ્યાર્થી પરિષદ વચ્ચેના કલેશ અને આરોપોની તપાસનો બોજ જેના માથાથી માંડ માંડ હટયો તેવા કે.એન. ડામોરનો સમાવેશ છે. આ ઉપરાંત સુરત ડીસીપી બી.આર. પાંડોર, સાબરમતી જેલ સુપ્રિ. ડો. એમ.કે. નાયક, તાપીના એન.એન. ચૌધરીનો સમાવેશ છે. અત્રે યાદ રહે કે એસ.પી. કક્ષાએ જે તે જગ્યા પર જ બઢતી આપી શકાય તેમ ન હોય ગૃહખાતાને ના ઈલાજે ફેરફારો કરવા પડશે.

દરમિયાન ડીજીપી કક્ષાએ જેઓ બઢતી માટે હક્કદાર બન્યા છે તેવા કેશવકુમાર દ્વારા અદભૂત કામગીરી છતા ડીજીપી લેવલે બઢતીના વિલંબમાં તેઓની બેચના સતિષ વર્મા તથા અન્યને બઢતી આપવા કેન્દ્ર સરકાર ઈચ્છતી ન હોવાથી વિલંબ થઈ રહ્યાની પણ આઈપીએસ વર્તુળોમાં ખાનગીમાં ચર્ચાય છે.

અત્રે યાદ રહે કે તાજેતરમાં જ ગૃહખાતા દ્વારા એસ.પી. કક્ષાના દિવ્યા મિશ્રા, ડીસીપી દિપેન ભદ્રન, એસ.પી. સૌરભ તોલંબીયા, એસ.પી. મકરંદ ચૌહાણ, પરીક્ષીતા રાઠોડ અને આર.એમ. પાંડેને સિલેકશન ગ્રેડ અપાયો છે. જેઓને આવતા વર્ષે ડીઆઈજીના પોસ્ટીંગ મળશે.

આ ઉપરાંત કે.એન. નિનામા, દાહોદ એસ.પી. હિતેશ જોયસર, એસ.પી. ચૈતન્ય માંડલીક, એસ.પી. તરૂણકુમાર દુગ્ગલ, ડીસીપી સરોજકુમારી, આર.પી. બારોટ, નવસારીના ગીરીશ પંડયા, સુધા પાંડે તથા ડીજીપી ઓફિસના સુજાતા મજમુદારને જુનીયર એડમીનીસ્ટ્રેટીવ ગ્રેડ અપાયો છે. જેઓને આવતા વર્ષે સિલેકશન ગ્રેડ આપવામાં આવશે.

(12:01 pm IST)