Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વતન પ્રેમ-પિતૃ પ્રેમ અને રાષ્ટ્રીય પ્રેમનો ત્રિવેણી સંગમ રચાશેઃ ૨૫મીથી બે દિ' વિવિધ પ્રોગ્રામ

આર્મ્સ યુનિટના આઈજી પિયુષ પટેલ દ્વારા પિતાની સ્મૃતિમાં પ્રવેશદ્વાર : સ્વ. પ્રાગજીભાઈના સદ્ગુણો કંડારાશેઃ સાંઈરામ-કીર્તિદાન ગઢવી જમાવટ કરશે

રાજકોટ, તા. ૯ :. રાજ્ય પોલીસ તંત્રમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હાલ ગુજરાતના હથિયારી એકમોના વડા તરીકેનો હવાલો ધરાવતા સિનિયર આઈપીએસ પિયુષભાઈ પટેલ (સોજીત્રા) દ્વારા પોતાની ધરતી અને પોતાના વતનનું ઋણ ચૂકવવાના ભાગરૂપે દામનગરના પાડરશીંગા ગામે પોતાના પિતા સ્વ. પરષોતમભાઈ પ્રાગજીભાઈ સોજીત્રાના પૂણ્ય સ્મૃતિમાં આકર્ષક પ્રવેશદ્વારની ભેટ ગ્રામજનોને આપી છે. જેનુ લોકાર્પણ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે તથા ખૂબ જ જાણીતા લોક સાહિત્યકાર અને ભજનના માસ્ટર એવા કીર્તિદાન ગઢવીના કાર્યક્રમ તથા ૨૬મીના રાષ્ટ્રીય પર્વને ધ્યાન લઈ ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય પર્વના ત્રિવેણી સંગમ સમી ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વતનના લોકોના સુખ-દુઃખમાં સદા સાથે રહેતા અને પોતાના વતનના ગામ દામનગરના પાડરસીંગા ગામના શિક્ષણ, ખેતી, રોજગારી સહિતના પ્રશ્નોમાં જેમનુ માર્ગદર્શન સતત લોકોને મળે છે તેવા આઈજી પિયુષ પટેલ (સોજીત્રા)ના પિતાજી પણ ખૂબ જ માયાળુ સ્વભાવના અને લોકોના સુખ-દુઃખમાં સાથે રહેનાર ઉમદા માનવી તરીકેની અમીટ છબી ધરાવતી વ્યકિત હતા. પિતાના સંસ્કારનો વારસો પુત્ર પિયુષભાઈ વિ.ને મળ્યો છે.

ભાવી પેઢીને સદગુણો અને પરોપકારના ગુણોની સ્મૃતિ કાયમી જળવાય અને વ્યકિત ટોચે પહોંચે પણ નાનામાં નાના માણસ સાથે કેવી લાગણીથી વર્તી કેવા ગુણો કેળવવા જોઈએ તેવા શુભ હેતુથી લોકાર્પણ પ્રસંગે સ્વ. પરષોતમભાઈના જીવનકવનને આલેખતી સંક્ષિપ્ત ઝરમર પ્રવેશદ્વાર પરની તકતીમાં અંકિત કરવાનું પણ ગામલોકોના લાગણી ભર્યા સૂચનથી અમલમાં મુકવામાં આવનાર છે.

પાડરશીંગ ગામ પણ સ્વ. પુરૂષોતમભાઈના સદગુણોને યાદ કરી કાર્યક્રમ માટે ઉત્સાહી છે. તા. ૨૫મીએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક સાહિત્યનો કાર્યક્રમ સાંઈરામ દવે, કીર્તિદાનભાઈ ગઢવી જેવા અવ્વલ દરજ્જાના કલાકારો અને વૃંદો દ્વારા યોજાશે.

૨૬મીએ વતન પ્રેમ સાથે રાષ્ટ્ર પ્રેમના સંકલ્પરૂપે અનાવરણ વિધિ (લોકાર્પણ) થશે. લોક સાહિત્યના કાર્યક્રમ દ્વારા એકઠી થનાર રકમ પણ ગ્રામ ઉત્થાનની પ્રવૃતિમાં ખર્ચ કરવાનો પણ પિયુષભાઈ પટેલ પરિવારે કરેલ સંકલ્પની સરાહના થઈ રહી છે.

(11:25 am IST)