Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

'હવા'ની અનુકુળતા વગર પણ પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજઃ રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષના પ્રેરણાની 'ફીરકી' જેવા ઉદ્દગારો

વડોદરાના નવલખી મેદાન ખાતે પતંગોત્સવ નિમિતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે દીપ પ્રાગટય થયેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે.

રાજકોટ,તા.૯: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અને દેશ વિદેશના નિપુણ પતંગવીરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો.ગુજરાત પ્રવાસન નિગમ એ વડોદરા જિલ્લા પ્રશાસન અને વડોદરા મહાનગર પાલિકાના સહયોગ થી યોજેલા આ મહા પતંગ મેળામાં વિશ્વના ૧૬ દેશોના ૫૦ અને દેશના વિવિધ રાજયોના ૩૯ તેમજ સ્થાનિક ૮૦ મળીને કુલ ૧૬૯ નીવડેલા પતંગ વીરોએ આકાશને રંગીન બનાવી દીધું હતું.

હવાની અનુકૂળતા વગર પતંગ ઉડાડી બતાવે એ જ કાબેલ પતંગબાજ એવી લાગણી વ્યકત કરતાં વિધાનસભા અધ્યક્ષએ જણાવ્યું કે પતંગબાજી જીવનની વિપરીત પરિસ્થિતિઓને સાનુકૂળ બનાવીને જીવનમાં સફળતા મેળવવાની કળા શીખવે છે.

નાયબ મેયર ડો.જીવરાજ ચૌહાણે સહુને આવકારવાની સાથે પતંગબાજીના ૯૫૦ વર્ષના ઇતહાસની યાદ અપાવી હતી. વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે પતંગ કળા એ ગુજરાતની ધરોહર છે. આ પ્રસંગે ધારાસભ્ય સીમાબેન મોહીલે, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર અને તેમની ટીમના સંકલન થી ૫૦ જેટલા દિવ્યાંગ અને સમાજ સુરક્ષા સંસ્થાઓના અંતેવાસી બાળકો એ પતંગ મહોત્સવનો આનંદ માણ્યો હતો.

(11:24 am IST)