Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સુરત : ટ્રકમાં આગ લાગતા ૨૭થી વધુ સિલિન્ડર ફાટ્યાં

ગેસના બાટલાઓના પ્રચંડ ધડાકાથી દહેશત : ચાર કિલોમીટર સુધી બાટલાના ધડાકા સંભળાયા : સ્કૂલ બસ સહિત ત્રણ વાહનો ઝપટમાં આવ્યા : જાનહાનિ ટળી

અમદાવાદ, તા.૯ : સુરતના ઓલપાડના માસમા રોડ ખાતે આજે સવારે ૬-૩૦ વાગ્યે રાંધણ ગેસના બાટલા ભરીને જતી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ ભયંકર અને ભયાવહ બની ગઇ હતી. કારણ કે, રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રક્માં આગ લાગ્યા બાદ આગની જવાળાઓમાં એલપીજી બોટલો આવી ગઇ હતી અને ત્યારબાદ એક પછી એક એમ ૨૭ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તાર અને તેની આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠયો હતો. એટલું જ નહી, ટ્રકની આગની ઝપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનો પણ સપડાઇ ગયા હતા પરંતુ સ્કૂલ બસના ડ્રાઇવર-કડંકટરની સમયસૂચકતાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ૨૦થી વધુ બાળકોને બચાવી લેવાયા હતા અને મોટી દુર્ઘટના ઘટતાં ટળી ગઇ હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

               ટ્રકમાં આગ લાગ્યા બાદ પ્રચંડ ધડાકા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ બ્લાસ્ટ જેવા અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર ગભરાઇને નાસી છૂટયા હતા. બીજીબાજુ, આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે. જોકે, સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રની સાથે સાથે સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો દમ લીધો હતો. ઘટનાને નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે, ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકના કેબિનમાં સૌ પ્રથમ આગ લાગી હતી. બાદમાં બસ સાથે સિમેન્ટ ભરેલા આઇસર ટ્રકનો એક્સિડન્ટ થયો હતો અને તેની પાછળ આવતી રિક્ષા પર ગેસની બોટલ પડતાં તેનું હૂડ સળગી ગયું હતું. આગ જોત જોતામાં જ પ્રચંડ બની ગઈ હતી અને સિલેન્ડરમાં બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે, આજુબાજુના ગામના લોકો પણ ભયના મારે રોડ પર દોડી આવ્યા હતા.

               ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પર ડિવાઈડરની સામે બાજુથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ સાથે સિમેન્ટ ભરેલા ટેમ્પોએ એક્સિડન્ટ સર્જ્યો હતો. જેથી સ્કૂલ બસમાં રહેલા ૨૬ વિદ્યાર્થીઓને ડ્રાઈવર કન્ડક્ટરે સલામત રીતે ઉતાર્યા હતાં. બાદમાં બસમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રેડિયન્ટ સ્કૂલની બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બાદમાં સ્કૂલ બસની સાથે સિમેન્ટ ભરેલો ટેમ્પો અથડાયો હતો. ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થઈને એક ઓટો રીક્ષા પર પડ્યાં હતાં. જેથી ઓટો રિક્ષાનું ઉપરનું હૂડ બળીને ખાખ થઈ ગયું હતું. ટ્રકમાં લાગેલી ભયાવહ આગના પગલે વાહનવ્યવહાર માટે રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. સિલિન્ડરના બ્લાસ્ટ ચાર કિલોમીટર દૂરના વિસ્તાર સુધી સંભળાયા હતા. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આસપાસના ગામમાંથી લોકો પણ દોડી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

(8:37 pm IST)