Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાજપ યુવા મોરચા અધ્યક્ષનું નામ પરત ખેંચવાનુ દબાણ થયું

એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ ટ્વીટ કરતાં પોલીસ પર આરોપ લાગ્યા : મારા પર કરાયેલા હિંસક હુમલાને ૨૪ કલાક થઈ ગયા હોવા છતાંય પોલીસ એફઆઇઆર નોંધતી નથી : એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી

અમદાવાદ, તા.૮ : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાના વિરોધમાં એનએસયુઆઇના પ્રદર્શન દરમ્યાન આજે મામલો બીચકતાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી અને લાકડી, ધોકા અને પાઇપો વડે હુમલામાં લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આજે એક ટવીટ કરી પોલીસ પર ગંભીર આરોપ લગાવતાં સમગ્ર મામલે રાજકારણ ગરમાયું હતું. સવાણીએ ટવીટ્ કરી આક્ષેપ કર્યો હતો કે, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલનું નામ પાછુ ખેંચવા પોલીસ દ્વારા દબાણ થઇ રહ્યું છે.

       ગઈકાલે પાલડી ખાતે એબીવીપીએ કરેલા હુમલાનો ભોગ બનેલા અને ગંભીર રીતે ઘાયલ નિખિલ સવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું હાલ હોસ્પિટલમાં છું. મારા પર થયેલા હુમલાને ૨૪ કલાક વીતી ગયા છે. પણ હજુ સુધી પોલીસે હુમલાખોરો સામે એફઆઇઆર નોંધી નથી. એટલું જ નહી, પોલીસ મારા પર ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરી રહી છે. પોલીસ હુમલાખોરો સામે ગુનો નહીં નોંધે તો હુું અસ્વસ્થ હાલતમાં અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ પર ધરણા પર બેસીશ તેવી નિખિલ સવાણીએ ચીમકી ઉચ્ચારતાં હવે રાજકારણ ગરમાયું છે. સવાણીના આ ટવીટ બાદ હવે પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આજે ફરી એકવાર ગંભીર આરોપ પોલીસ પર લગાવ્યા હતા કે, પોલીસ ભાજપ સરકારના ઇશારે અને સરકારના દબાણમાં કામ કરી રહી છે અને સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી.

(9:25 pm IST)