Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રાહુલ ગાંધી કાલે સાતવ-ચાવડા-ધાનાણી સાથે ગુજરાત મામલો ચર્ચશે

રાજ્ય પ્રભારીની ઉપસ્થિતિમાં ૧૦મીએ મળનારી પ્રદેશ બેઠક હવે ૧૧મીએ મળશેઃ ગુજરાતની રણનીતિ ચર્ચાશે : ચાર કાર્યકારી પ્રમુખ નિમવાની વાતનો છેદ ઉડી શકે છેઃ રાષ્ટ્રીય પ્રમુખ સાથે ચર્ચામાં સહપ્રભારી બધેલ-મોહન્તી પણ જોડાશે

રાજકોટ, તા. ૯ :. લોકસભા સત્રની સમાપ્તી થયા બાદ આજે રાજ્યસભામાં પણ સત્ર પુરૂ થતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતનો મામલો હાથ પર લેશે. લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડવાના ઓઠા હેઠળ રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા ગુજરાતના સહપ્રભારીઓ જીતેન્દ્ર બધેલ તથા મોહન્તીને પણ રાહુલ ગાંધી મળશે અને ગુજરાતનો મામલો તથા લોકસભાની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી ગુજરાતનો મામલો થાળે પાડવા પ્રયાસો થશે.

ગુજરાતના ટોચના 'હમ પાંચ' નેતાઓ સાથે ૧૦મીએ રાહુલ ગાંધી ચર્ચા કરનાર હોય રાજ્ય પ્રભારી રાજીવ સાતવ ૧૦મીએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશની બેઠકમાં ગુજરાત મામલો હાથ ધરનાર હતા પરંતુ અસંતુષ્ટ નેતાઓ, અલ્પેશ ઠાકોર સહિતના ત્રણ ધારાસભ્યોની દિલ્હી મુલાકાત બાદ ગુજરાત મામલે રાજીવ સાતવ, સહપ્રભારીઓ તથા ચાવડા તથા ધાનાણી સાથે રાહુલ ગાંધી મહત્વની ચર્ચા કરવા માંગતા હોય પ્રદેશની બેઠક તથા સાતવની ગુજરાત મુલાકાત ૧૧મી ઉપર ઠેલાઈ છે.

આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અમુક ચોક્કસ મુદ્દે સ્પષ્ટ અભિગમ સાથે હવે રાજીવ સાતવ તથા પ્રદેશ નેતાઓ ગુજરાતમાં સંગઠનને વધુ મજબુતાઈથી આગળ ધપાવશે ત્યારે કોંગી સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની મદદ માટે ઝોનવાઈઝ ચાર કાર્યકારી પ્રમુખ નીમવાની વાત ઉઠી હતી પરંતુ એવા નિર્દેશો મળે છે કે હાઈપાવર કમીટીની રચના બાદ હવે ચાર કાર્યકારી પ્રમુખોની વરણીનો છેદ ઉડી જશે.

હાઈકમાન્ડ એવુ પણ માને છે કે કાર્યકારી પ્રમુખોની વરણીથી પ્રદેશ સમિતિની કામગીરી વધુ ડહોળાઈ શકે અને વધુ અવરોધો ઉભા થવાની સંભાવનાઓ હોય કદાચ કાર્યકારી પ્રમુખોની વરણીનો છેદ ઉડી જશે.

જાણવા મળતી વિગતો મુજબ કાલે રાહુલ ગાંધીના ઘેર રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જીતેન્દ્ર બધેલ તથા મોહન્તી સાથેની બેઠકને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યુ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં અસંતોષ, વિવિધ માંગણીઓ, એકવાકયતાના અભાવ સહિતની બાબતે રાહુલ ગાંધી નારાજ હોવાનું અને આગામી લોકસભા ચૂંટણીની કામગીરી મક્કમતા અને કટીબદ્ધતા સાથે થાય તે માટે કડક ધારાધોરણો પણ અપનાવાઈ શકે છે તેવા નિર્દેશો મળશે.

રાજ્યભરના કોંગ્રેસી કાર્યકરો તથા આગેવાનોની નજર હાલ તો આવતીકાલની દિલ્હી ખાતેની બેઠક પર મંડાઈ છે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ મોભી અહેમદભાઈ પટેલ પણ હાજર રહેશે તેમ મનાય છે.

અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે ૧૧મીના રોજ રાજ્યપ્રભારી રાજીવ સાતવ અને સહપ્રભારીઓની ઉપસ્થિતિમાં મળનારી પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં ગુજરાત પ્રદેશ માટેના હાઈકમાન્ડની ગાઈડલાઈનનો સ્પષ્ટ અણસાર મળી જશે તેમ  પણ  ચર્ચાય  છે.

(4:00 pm IST)