Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભાનુશાળી હત્યામાં છબીલ પટેલ સહિત પ સામે ફરિયાદ

મૃતકના ભત્રીજા સુનીલ ભાનુશાળીની ફરિયાદઃ ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જ્યંતિ ઠક્કર, દલિત આગેવાન-મનિષા ગોસ્વામી સામે ફરિયાદ

અમદાવાદ,તા. ૮: ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતી ઠક્કર, એક દલિત આગેવાન અને મનિષા ગોસ્વામીને શકમંદ દર્શાવી આ તમામ સામે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. છબીલ પટેલ સહિતના લોકો સામે આ કેસમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે અને સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં જ ગઇ મોડીરાત્રે હત્યા બાદ તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિની હત્યા પાછળ ભાજપના છબીલ પટેલ જવાબદાર છે. છબીલ પટેલને પણ કોર્ટ જન્મટીપ અથવા ફાંસી જેવી આકરી સજા ફટકારે અને અમને ન્યાય અપાવે એ જ અમારી ઇચ્છા છે. ભાનુશાળીના ભાઈ શુંભભાઈએ પણ આરોપ લગાવીને કહ્યું હતું કે, રાજકીય કારણોસર તેમની હત્યા કરાઈ છે. છબીલે અગાઉ ધમકી આપી હતી કે, હું જયંતિનો રાજકારણમાંથી કાંટો કાઢી નાંખીશ. આમ પરિવારજનોના ગંભીર આક્ષેપો બાદ પોલીસે હવે તે દિશામાં પણ તપાસ આરંભી છે. બીજીબાજુ, જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ આ સમગ્ર હત્યા મામલે છબીલ પટેલ, તેના પુત્ર, જયંતિ ઠક્કર, સિધ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી અને દલિત આગેવાન વિરૂધ્ધ હત્યાની આશંકા વ્યકત કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે હવે આ તમામ લોકો પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ છબીલ પટેલે પણ જે તે વખતે ભાનુશાળી પર વળતા આક્ષેપો કર્યા હતા. જો કે, હવે સમગ્ર મામલો રાજકીય રીતે પણ ગરમાયો છે. પોલીસ જયંતિ ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપોના તથ્યની ખરાઇ કરશે અને ઝીણવટભરી તપાસ હાથ ધરશે તે નક્કી છે.

(9:59 pm IST)