Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

નડીયાદ સ્‍વામીનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના અધ્‍યક્ષ પૂ. મહંતસ્‍વામી અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં

અમદાવાદ તા. ૮ : બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજના પ્રાગટ્‍ય દિને બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ પૂ. મહંત સ્‍વામી મહારાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે યોજાયેલ પ્રાણપ્રતિષ્‍ઠાવિધિ અને સાંજે લોકાર્પણ સમારોહમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ  તેમજ હજારો ભક્‍તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્‍ય શ્રી પંકજભાઈ દેસાઈ, ગુજરાત સરકારના સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહેમદાવાદના ધારાસભ્‍ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્‍ય શ્રી સંજયસિંહ, માતરના ધારાસભ્‍ય શ્રી કલ્‍પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્‍ય શ્રી યોગેન્‍દ્રસિંહ પરમાર અને અન્‍ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજે આ સ્‍થાને મોટું મંદિર રચવા સંકલ્‍પ કર્યો હતો, જે આજે પરમ પૂજય મહંત સ્‍વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો છે. સવારે મૂર્તિપ્રતિષ્ઠા વિધિમાં સંસ્‍થાના વરિષ્‍ઠ સંતો અને પૂ. મહંત સ્‍વામી મહારાજ દ્વારા વૈદિક મહાપૂજા બાદ પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ અને આરતી તથા ભવ્‍ય અન્નકૂટ દ્વારા ભક્‍તિઅર્ધ્‍ય અર્પણ કર્યું હતું.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણ- ગુણાતીતાનંદ સ્‍વામી (શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ), શ્રી હરિકૃષ્‍ણ મહારાજ, શ્રી ઘનશ્‍યામ મહારાજ, શ્રી રામ પરિવાર, શ્રી રાધાકૃષ્‍ણ ભગવાન, શ્રી શિવ પરિવાર, શ્રી નીલકંઠવર્ણી અને શ્રી ગુણાતીત ગુરૂપરંપરાના ગુરૂવર્યોની મૂર્તિઓ અહીં પ્રતિષ્‍ઠિત કરવામાં આવી છે.

પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્‍યક્ષ ઉપસ્‍થિત અને વર્ચ્‍યુઅલ લાભ લઈ રહેલાં હજારો હરિભક્‍તો-ભાવિકોએ દીપ પ્રાગટ્‍ય કરી મહાઆરતીનું અર્ઘ્‍ય અર્પણ કર્યું હતું.

મંદિરની વિશેષતાઓ જોઇએ તો સમગ્ર મંદિર પરિસર ૪૫ એકરમાં વ્‍યાપ્ત,  કુલ એક લાખ ઘનફૂટ રાજસ્‍થાનના ગુલાબી પથ્‍થર માંથી નિર્માણ, ૨૪૦ ફૂટ લંબાઈ, ૧૩૧ ફૂટ પહોળાઈ અને ૧૦૮ ફૂટ ઊંચાઈ ધરાવે છે. કલાત્‍મક કોતરણીયુક્‍ત પાંચ શિખર, ૧૧ ઘુમટ, ૩૨૪ આકર્ષક સ્‍તંભો, ૧૨૧૦ ફૂટ લંબાઇનો પ્રદક્ષિણા પથ, ૨૫૪ કલાત્‍મક તોરણો, ૧૨ ઝરૂખા, ૩૬ અક્ષરદેરીની પ્રતિકૃતિ, ૧૩ ચતુષ્‍કોણીય સામરણ છે.

ઉદ્‍દ્યાટન નિમિતે સાંધ્‍ય કાર્યક્રમમાં પૂજય પ્રમુખસ્‍વામી મહારાજના દિવ્‍ય જીવન અને કાર્યને અંજલિ અર્પતાં વક્‍તવ્‍યો અને કાર્યક્રમો પ્રસ્‍તુત થયા હતા.

બીએપીએસના પૂ. ધર્મનિલયદાસ સ્‍વામી દ્વારા આબાલવૃદ્ધ સૌના દ્વારા મંદિરનિર્માણમાં તેઓના યોગદાનને વર્ણવતા પ્રસંગો રજૂ કરવામાં આવ્‍યા હતા. પ્રમુખસ્‍વામી મહારાજ અને બાળકોના નિસ્‍વાર્થ પ્રેમને વાચા આપતા વિડીયોની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. પૂ. જનમંગલદાસ સ્‍વામીએ નડિયાદમાં પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજે મંદિર નિર્માણમાં કરેલા અથાક અને કઠોર પરિશ્રમનો ચિતાર આપ્‍યો હતો.

ત્‍યારબાદ એક વિડિયો દ્વારા પ્રમુખસ્‍વામી મહારાજે હરિભક્‍તો માટે કરેલી પ્રાર્થના અને તેઓના પ્રશ્નોને ઉકેલવાની તત્‍પરતા અને આત્‍મીયતાને એક હરિભક્‍તના સ્‍વાનુભાવ દ્વારા વર્ણવવામાં આવી હતી. બીએપીએસના વરિષ્‍ઠ સંત પૂ. ડોક્‍ટર સ્‍વામીએ મંદિર ચારિત્ર્ય ઘડતરની પાઠશાળા છે, તે વિષયક પ્રેરણાદાયી વક્‍તવ્‍ય આપ્‍યું હતું. બીએપીએસના વરિષ્‍ઠ સંત પૂ.ઈશ્વરચરણદાસ સ્‍વામી તથા વરિષ્‍ઠ પૂ. બ્રહ્મવિહારી સ્‍વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.

આજે લોકાર્પણ પ્રસંગે ખાસ પધારેલા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું બીએપીએસના સંતો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓના દર્શન અને મંદિર સંકુલનું નિરીક્ષણ કરીને તેઓશ્રી બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજ જન્‍મ જયંતિ અને મંદિર લોકાર્પણની સભામાં પધાર્યા હતા. આ પ્રસંગે પરમ પૂજય મહંતસ્‍વામી મહારાજ અને માનનીય મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે મંદિર લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્‍બોધનમાં જણાવ્‍યું કે પ્રમુખસ્‍વામી મહારાજે મંદિરો દ્વારા ચારિત્ર્યશીલ સમાજનું નિર્માણ કર્યું છે. સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજે હિન્‍દુ એકતાની વાત દ્રઢ કરાવી હતી અને પરમ પૂ. મહંતસ્‍વામી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્‍યા હતા અને સૌને મંદિર દ્વારા જીવન દ્યડતરની પ્રેરણા આપી હતીર્ર્.ં

(3:24 pm IST)