Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ફેડરિક ચંદુભાઈ પરમાર સિવિલના કેમ્પસમાં જ સ્ટાફ કવાટર્સમાં મકાન નં 12-6 ખાતે રહેતા હતા અને છેલ્લા પાંચ દિવસથી રજા પર હતો

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા અને સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા એક યુવકે આત્મહત્યા કરી છે. સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા ફેડરિક ચંદુભાઈ પરમાર સિવિલના કેમ્પસમાં જ સ્ટાફ કવાટર્સમાં જ મકાન નં 12-6 ખાતે રહેતા હતા. તેઓ છેલ્લા પાંચ દિવસથી રજા પર હતો.

આજે સવારે તેઓ નોકરી પર ગયા હતા. ત્યાંથી તેઓ સાથી કર્મચારીઓ સાથે ચા – નાસ્તો કરવાનું કહીને કપડા બદલવા પોતાના ઘરે ગયા હતા. જોકે, કપડાં બદલવામાં વધારે વાર થઈ જતા છતાં પણ ફેડરિક ઘર આવ્યો ન હતો. ત્યારબાદ તેમના સાથી કર્મચારી તેમને બોલાવવા ગયા હતા. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. ઘણીવાર દરવાજો ખખડાવવા બાદ પણ દરવાજો ખૂલ્યો ન હતો. જોકે, કંઈ અજુગતી ઘટના ઘટી હોય એવું જાણ થતાં દરવાજાને તોડી દીધો હતો. દરવાજો તોડતાની સાથે ફેડરિકના મૃતદેહને ગળામાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈને સાથી કર્મચારી પણ ડરી ગયો હતો. આ બનાવ બનતા હોસ્પિટલના કર્મચારીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. આ બનાવની જાણ થતાં સેક્ટર 7 પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે આવી ગયા હતાં.

સ્ટાફના કર્મચારીએ ગળેફાંસો ખાઈ લેતા આ વાત વાયુવેગે સિવિલ કેમ્પસમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે

(9:59 pm IST)