Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

આણંદ એમજીવીસીએલ વર્તુળ દ્વારા 12.84 લાખની વીજચોરી પકડવામાં આવી

વલ્લભવિદ્યાનગર : આણંદ એમજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજચોરીને નિયંત્રિત કરવા ગતરોજ અધિકારીઓ, ઇલેક્ટ્રીશ્યન, હેલ્પરોની ટીમે પેટા સર્કલ કચેરીના તાબા હેઠળના ગ્રામ્ય વિસ્તારોમા ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં ૧૦૭૫ કનેકશનોની ચકાસણી દરમ્યાન વીજચોરીના ૧૨૭ કેસો ઝડપાતા કસુરવારોને ૧૨.૮૪ લાખના દંડનીય બિલો ઇસ્યુ કરીને વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્ય ગુજરાત વીજ કંપની આણંદ સર્કલના કાર્યક્ષેત્રમા આવતા પેટલાદ, સોજીત્રાના ગ્રામ્ય-શહેરી વિસ્તારોમા ઉચ્ચ અધિકારીઓ, ઇલેક્ટ્રીશ્યન, હેલ્પરોની ટીમે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને ડોમેસ્ટીક, કોમર્શિયલ, એગ્રીકલ્ચર વિષયક ૧૦૭૫ જોડાણોની તપાસ હાથ ધરી હતી. જેમા વીજપૉલ ઉપરથી બારોબાર વીજપ્રવાહ મેળવવો, મુખ્ય લાઇન ઉપર લંગસિયા નાંખીને વીજપ્રવાહમા અવરોધ ઉભો કરવો, તંત્ર કે સક્ષમ અધિકારીની પરવાનગી વિના પોતાના પાડોશી કે અન્ય ઇસમોને અનઅધિકૃત્ત રીતે જોડાણ આપવુ, ઘરેલુ કનેકશનનો વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે ઉપયોગ, કોમર્શિયલ કનેકશનનો ખેત વિષયક ઉપયોગ, હેતુફેર, વીજબીલ ઓછુ આવે તે ઉદ્દેશ્યથી મીટર સાથે ચેડાં કરવા સહિતની વીજચોરીઓ ઝડપાઇ જવા પામી હતી. જેથી ટીમે જવાબદાર વીજગ્રાહકો વિરૂદ્ધ સ્થળ ઉપર પ્રારંભિક કાર્યવાહી હાથ ધર્યા બાદ ૧૨.૮૪ લાખનો દંડ  ફટકારીને ત્વરિત ભરપાઇ કરી જવા તાકીદ કરતા ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

(5:25 pm IST)