Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

*શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત્સલ્યતાથી સંતો – ભક્તોને પીરસેલ વચન રૂપી “વચનામૃત” ગ્રંથની ૨૦૨ મી જયંતીની પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી...*

સંવત ૨૦૭૮ ના માગશર સુદી - ૪ તા. ૦૭-૧૨ - ૨૦૨૧ ને મંગળવારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની અમૃતવાણી જેમાં સચવાઈ છે એવા ગ્રંથરાજ “વચનામૃત”ની ૨૦૨ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજી મહારાજે સંવત ૧૮૭૬ ના માગશર સુદી - ૪, તારીખ ૨૧-૧૧-૧૮૧૯ ને રવિવારે પ્રથમ વચનામૃત ગઢપુર મુકામે સંબોધ્યું અને અંતિમ વચનામૃત ગઢડા મુકામે સંવત ૧૮૮૬ ના અષાઢ વદી - ૧૦ ના દિવસે સંબોધ્યું. આ દશ વર્ષના ગાળામાં ૨૭૩ જેટલાં વચનામૃત સભા સંબોધી છે.
શ્રીજી મહારાજે રાત્રે – દિવસે, વહેલી સવારે – સાંજે, બપોરે કે મધ્ય રાત્રિએ ઈચ્છા થાય ત્યારે સંતો – હરિભક્તોને બોલાવી સભા કરતા તેમાં પ્રેરક કૃપાવચનો, જ્ઞાનવાર્તાઓ, ઉપદેશાત્મક વચનો, વાતો કહેતા. પોતે પણ પ્રશ્નો પૂછીને સંતોની સમજણને ચકાસતાં. પોતે પ્રશ્નોના શાસ્ત્રસંમત, તર્ક સંગત અને સચોટ છતાં સરળ ભાષામાં સ્પષ્ટ ઉત્તરો વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપતા, આ ઉપદેશાત્મક વચનો શ્રી ગોપાળાનંદ સ્વામી, મુકતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે સંતો પોતાની સ્મૃતિપટ યાદ રાખીને પછી તેને અક્ષરદેહ આપતા. એ સમયમાં ન હતી પેન કે પેન્સિલ. દીવાની મેશની શાહી બનાવી બાવળ કે અન્ય ડાળીની કલમ બનાવી મહામહેનતે કાગળ મેળવી તેના પર લખતા. લાઈટ ન હતી, સાધનો ન હતાં ત્યારે વચનામૃત જેવો દળદાર ગ્રંથ તૈયાર કરવો એ નાની સૂની વાત નથી એ માટે તો ધીરજ, મહેનત, લગન, ભક્તિની ખાસ જરૂર પડે.

વચનામૃત એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ ગદ્ય ગ્રંથ છે. એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવની બાબત છે.

વચનામૃતમાં જુદા જુદા સમયે અને જુદા જુદા ગામે સંબોધેલા કુલ ૨૭૩ વચનામૃતો છે.

શ્રીજી મહારાજે પરમહંસની જાયગા, લીંબતરુ, દાદાખાચરનો દરબાર, વાસુદેવનારાયણનું મંદિર, અક્ષર ઓરડી, લક્ષ્મીવાડી, ઘોડશાળની ઓસરી, સાધુને જમવાની પંક્તિ, જારની ખાણ, આંબલીની ડાળ પકડી, પીપળના વૃક્ષ નીચે, હરજી ઠક્કરના ઘે૨ વગેરે જગ્યાએ સભા સંબોધી હતી.

વચનામૃત ગ્રંથ એટલે ઇષ્ટદેવ સહજાનંદ સ્વામીના સદુપદેશનો નિચોડ. સરળ ભાષામાં સચોટ રીતે રજૂ થયેલ ગ્રંથ.
સંપ્રદાયના સિદ્ધાંતોનું સમગ્ર રહસ્ય રજૂ થયેલ છે. અધ્યાત્મનો અણમોલ અખૂટ ખજાનો, પુરુષોત્તમની પરાવાણી, ગીતાજીના ગલિતાર્થ, ઉપનિષદનો અર્ક, વેદ - વેદાંતનું રહસ્ય, સત્શાસ્ત્રનો સા૨ એટલે વચનામૃત. શ્રીજી મહારાજના આ અમૃત વચનોનું પાન પારસમણિ સ્પર્શ જેવું પાવનકારી અને સંજીવની ઔષધિ સમું ગુણકારી છે. સરળ, ગામડીભાષામાં અપાયેલ ચોટદાર દ્રષ્ટાંતોથી અભણને અઘરો ન લાગે અને વિદ્વાનોને સહેલો ન લાગે એવા આ સદુપદેશ અધ્યાત્મ માર્ગના પિપાસુની તરસ બુઝાવે છે.

દરેક વચનામૃતની શરૂઆતમાં સભાનું વર્ણન આવે છે. જેમાં સંવત, માસ, તિથિ અને સમયની વાત કરી શ્રીજી મહારાજે કેવાં વસ્ત્રો, આભૂષણો, હાર ધારણ કર્યા હતાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સભાનું સ્થળ અને સભામાં કોની કોની ઉપસ્થિતિ છે એની ઝાંખી પણ શરૂઆતના પેરેગ્રાફમાં થાય છે. આજથી ૨૦૨ વર્ષ પહેલાંની આ વચનામૃત સભાનું વર્ણન વાંચી તે વખતનો ઈતિહાસ આબેહૂબ આપણા મનપટલ પર તાદ્શ્ય થાય છે. આવું વર્ણન અન્ય જગ્યાએ ભાગ્યે જ જોવા મળે. બસ્સો વર્ષ પહલાં આવો વિચા૨ આવવો એ જ અલૌકિક બાબત છે જે સૌના માટે પ્રેરણાદાયી છે.

શ્રી હરિની પારદર્શક નિર્દોષતા અને નિખાલસતાની સાથે સાથે બધા સાથે હળી-મળીને રહેવાની મુલાયમતા પણ એટલી જ ચોખ્ખી અને ઉઘાડી છે તેના દર્શન આ ગ્રંથરાજ વચનામૃતમાં થાય છે.

પ્રશ્નોત્તર રૂપે લખાયેલ આ ગ્રંથની શૈલી જેટલી સરળ, મિતાક્ષરી અને ચોટદાર છે તેટલી જ એ ચમત્કારિક પણ છે. વચનામૃત જેટલી વા૨ વાંચીએ તેટલીવાર તેમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે તે આ ગ્રંથનું રહસ્ય છે.

મુમુક્ષુ માટે અખૂટ પ્રેરણાપાથેય શાંતિપદ, આશ્વાસનો કરુણાસભર કૃપાવચનો અને માર્ગદર્શન માટે શ્રીજી મહારાજે સ્વાનુભાવો તથા પોતાના અંગની અનુપમ વાતો કરી છે તે એક વા૨ સૌએ વાંચવા જેવી છે.

વચનામૃત જયંતીના - ૨૦૨ મા વર્ષે ગ્રંથરાજ વચનામૃતની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો તથા હરિભક્તો સહ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. વળી તે તે વિસ્તારમાં વચનામૃત જયંતી અવસરે પૂજન અર્ચન બાદ મહિમાગાન પૂજનીય સંતોએ કર્યું હતું.

(10:41 am IST)