Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી દિને તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજે દેશ-વિદેશના સુશિક્ષિત 54 યુવાનોને સંત દીક્ષા આપી

બી એ પી એસ ના ચોપન યુવાનો એ મહંત સ્વામી મહારાજ ના હસ્તે પ્રાપ્ત કરી ભાગવતી દીક્ષા

વડોદરા : કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર માટે બે મૂખ્ય આવશ્યકતાઓ છે સરહદની રક્ષા તથા સંસ્કૃતિની રક્ષા.સરહદ પર નૌ સેના, વાયુ સેના વિગેરે હોય છે જે રાષ્ટ્રની રક્ષા માટે ખડેપગે હોય છે તે જ રીતે સંસ્કૃતિની રક્ષા કરે છે ભગવી સેના.વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી એ પી એસ સંસ્થા દ્વારા પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે બે તબક્કામાં યોજાનાર દીક્ષા મહોત્સવના આજના પ્રથમ દિવસે ચોપન સુશિક્ષિત નવયુવાનો એ ત્યાગાશ્રમ ની દીક્ષા ગ્રહણ કરી પરિજનોનો ત્યાગ કરી વસુધૈવ કુટુંબકમ નો પંથ સહર્ષ સ્વીકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને તબક્કામાં કુલ દિક્ષા લેનાર ૧૦૯ યુવાનો એ બીએપીએસ સંસ્થાના સારંગપુર સ્થિત ચાર દાયકાથી કાર્યરત સંત તાલીમ કેન્દ્ર ખાતે ત્રણ વર્ષ ની સધન તાલીમ મેળવી છે.આ પ્રશિક્ષણ કેન્દ્ર માં ધાર્મિક શાસ્ત્રો સહ વિવિધ ધર્મોના તત્વ જ્ઞાનનો અભ્યાસ ઉપરાંત તપ, સેવા, સંયમ જેવા પાઠની સાથે સંગીત, રસોઈ કળા, મેનેજમેન્ટ જેવા અનેક વિષયો ના અભ્યાસ ના અંતે ઉત્તિર્ણ થઈને પાત્રતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. સ્વામિનારાયણીય પરંપરા અને પ્રમુખસ્વામી મહારાજના પદ ચિન્હો અનુસાર સંન્યાસ એટલે ગૃહ ત્યાગ કરીને વેરાન વન કે હિમાલયની ખીણમાં રહેવા પૂરતું જ સીમિત નહીં પરંતુ સમાજ ના દુઃખે દુઃખી થઇને સમાજ સેવા સાથે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી એકાંતિક થવું. સુવિદિત છે કે જ્યારે જ્યારે સમાજ પર અતિવૃષ્ટિ, પુર, ભૂકંપ જેવી કુદરતી આફતો કે તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કાળમાં આ  કેન્દ્ર માં તાલીમ પામેલા સંતો સમાજ સેવામાં લાગી ગયા હતા. આદિવાસીથી અમેરિકા વાસી પરિવારના, ઉચ્ચ શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી ધરાવતા, માતા પિતાના એક માત્ર સંતાન હોય તેવા એમ અનેકવિધ વિવિધતા ધરાવતા યુવાનો જે પૈકી પરદેશના ૧૪, સ્નાતક  ૨૯, ઈજનેર ૪૨, અનુસ્નાતક ૧૩ ઉપરાંત ૪૬ યુવાનો તો પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન છે તેમણે આજે ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરીને અહોનિશ સમાજ સેવામાં રત બારશોથી વધુ સંતોની સેનામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે આશીર્વાદ આપતાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ મહોત્સવે આજે જે યુવાનો દીક્ષા લઈ રહ્યા છે એ પોતાનું અને બીજા હજારોનું કલ્યાણ કરશે. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા કે એમના જીવનમાંથી સૌને પ્રેરણા મળે છે અને ત્યાગના પંથે આગળ વધે છે.આવા યુવાન અને પવિત્ર સંતો  આપણા દેશનું અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે.

(9:42 pm IST)