Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં મહિલાને મળી ગયેલ જામીન

સેશન્સ કોર્ટે ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું : વિદ્યાર્થીના ફોટા પાડી, વિડિયો ઉતારી તેના આધારે યુવક દ્વારા દુષ્કર્મના કેસમાં સંડોવાયેલી મહિલાને જામીન મળ્યા

અમદાવાદ, તા.૮ : શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતી અને ઘાટલોડિયા વિસ્તારમાં પ્રેસીડન્સ સાયન્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના નગ્ન ફોટા પાડી, વીડિયો ઉતારી તેના આધારે સ્થાનિક પાડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલી આરોપી મહિલાને અત્રેની સેશન્સ કોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, અરજદાર મહિલા આરોપીને અટક કર્યા ત્યારથી આજદિન સુધી જયુડીશીયલ કસ્ટડીમાં હોઇ અને આરોપીની વધુ તપાસ અર્થે જરૂરિયાત હોવા અંગે તપાસનીશ અધિકારીએ સોંગદનાનામામાં કંઇ જણાવેલ નથી ત્યારે આક્ષેપિત ગુનામાં અરજદારની ભૂમિકા ધ્યાને લેતાં તેના સંદર્ભની તપાસ પૂરી થઇ ગઇ તેને કડક શરતોને આધીન જામીન આપવા ન્યાયોચિત રહેશે.

        નવા નરોડા વિસ્તારમાં રહેતી અને ઘાટલોડિયા વિસ્તારમાં પ્રેસીડન્સ સાયન્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના નગ્ન ફોટા પાડી, વીડિયો ઉતારી તેના આધારે સ્થાનિક પાડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા કેસમાં અરજદાર મહિલા સુલક્ષણાબહેન તરફથી એડવોકેટ પ્રતિક નાયક અને હિતેન્દ્રસિંહ ચાવડાએ કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર એક મહિલા હોવાછતાં તેની ખોટી રીતે સંડોવણી કરાઇ છે. વાસ્તવમાં, આક્ષેપિત ગુનાના કોઇ તત્વો તેણીની સામે ફલિત થતા નથી. વળી, સમગ્ર કેસની ફરિયાદ એક વર્ષ બાદ નોંધાવાઇ છે. અરજદાર મહિલા ઘરકામ કરતી સ્ત્રી છે. તેના પતિ કાપડની દુકાનમાં નોકરી કરે છે અને તેણીના ઉમંરલાયક સાસુ થાઇરોઇડના દર્દી છે.

               તેણીને બે સગીર સંતાનો છે અને પરિવારની તમામ જવાબદારી તેણીના શિરે છે ત્યારે કોર્ટે કેસના સંજોગો અને હકીકતો ધ્યાનમાં લઇ અરજદારને શરતી જામીન પર મુકત કરવી જોઇએ. અરજદાર મહિલા તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે તેના શરતી જામીન મંજૂર રાખ્યા હતા. કોર્ટે વધુમાં જણાવ્યું કે, વળી, અરજદાર એક મહિલા છે અને તેણી નાના સગીર સંતાનો ધરાવતી હોવાથી અને કયાંય નાસી ભાગી જાય તેમ નહી હોવાથી તપાસમાં સાથ સહકાર આપવા સહિતની શરતોનું પાલન કરવાની અને  મુદતે નિયમિત કોર્ટમાં હાજરી આપવાની ખાતરી અપાઇ છે.

            વળી, આ કેસની ઇન્સાફી કાર્યવાહી ચાલતાં ઘણો લાંબો સમય જાય તેમ છે અને ત્યાં સુધી અરજદારને વધુ સમય જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાથી તેમના પરિવારની અને નાના બે સગીર સંતાનોની દેખભાળનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હોઇ તેમ જ અરજદાર મહિલાને આવા સંજોગોમાં પ્રિ-ટ્રાયલ કન્વીકશન થાય તેવી પરિસ્થિતિનું  નિર્માણ થાય તેમ છે તે તમામ પાસાઓને ધ્યાનમાં લઇ અરજદાર મહિલાને કડક શરતોને આધીન જામીન પર મુકત કરવાથી ન્યાયનું હિત જળવાઇ રહેશે.

(9:36 pm IST)