Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

સુરતના મેટ્રો રેલના ૪૦.૩૫ કી.મી લંબાઈના પ્રથમ તબક્કાનું કામ જૂન ૨૦૨૦ થી શરૂ થશે:પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરાશે

પ્રથમ તબક્કાના ટેન્ડર બહાર પડશે:એન્વાયરમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ અને સોશિયલ ઇમ્પેકટ એસેસમેન્ટની કામગીરી શરૂ :મુખ્યમંત્રીએ મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીની પ્રગતિની સમીક્ષા બેઠક યોજી

અમદાવાદ : સુરત મહાનગરમાં ૪૦.૩પ કિ.મીટર લંબાઇ ધરાવતા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ તબક્કાની કામગીરી આગામી જૂન-ર૦ર૦માં શરૂ કરાશે ,મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન સુરત મેટ્રો ટ્રેનના કામોની દરખાસ્ત અને કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી

 ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. એસ. એસ. રાઠૌરે આ પ્રોજેકટ અંગેની વિગતો બેઠકમાં મુખ્યમંત્રી આપી  હતી

મેટ્રો રેલના મેનેજીંગ ડિરેકટરે બેઠકમાં જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે ગુજરાત સરકારે રજૂ કરેલી રૂ. ૧૨૦૨૦.૩૨ કરોડની દરખાસ્તને ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. તેમજ આ પ્રોજેકટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા પણ મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે.

સુરત મેટ્રો રેલ પ્રોજેકટની બાંધકામ કામગીરી જૂન-ર૦ર૦માં શરૂ થશે અને જુન-ર૦ર૪માં તે પૂર્ણ કરવાનું આયોજન છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

   મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતાં ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. રાઠૌરે જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ માટે જરૂરી ડીટેલ્ડ ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી.માં ૧૪ એલીવેટેડ સ્ટેશન્સ રહેશે તથા ભેંસાણથી સરોલી ૧૮.૭૪ કિ.મી.માં ૧૮ એલીવેટેડ સ્ટેશન્સ રહેશે. મેટ્રો રેલ કામગીરી માટે સુરત વિસ્તારમાં કુલ ૪૦.૩પ કિ.મીટર લંબાઇ ધરાવતા આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. 

  આ બેઠકમાં ચર્ચા-વિમર્શ દરમિયાન એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે “Environmental Impact Assessment” (EIA) અને “Social Impact Assessment” (SIA) ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

આ પ્રોજેકટને પરિણામે સુરત ‘‘માસ રેપિડ ટ્રાન્સપોર્ટ’’ સુવિધાથી જોડાશે. શહેરના નાગરિકોને સરળ પરિવહન સેવા મળશે, વાયુ પ્રદૂષણ અટકશે અને માર્ગ પરનું ભારણ તથા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે તેની સર્વગ્રાહી બાબતો અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. 

મુખ્યમંત્રીના  નિવાસસ્થાને તાજેતરમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(6:56 pm IST)