Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે માળખુ વિખેરી દીધું

નવા માળખામાં પક્ષને વફાદારોને સમાવાશે : ભૂતકાળમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના માનીતા અને વિવાદિત માણસોને સમાવીને વિવાદ છેડયો

અમદાવાદ, તા.૭ : અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું આખરે વિખેરાઈ ગયુ છે. અમદાવાદ મહાનગર પાલિકાની ૨૦૨૦ની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શહેર કોંગ્રેસનું માળખું વિખેરી નાખ્યુ છે. અત્યાર સુધી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શશીકાંત પટેલ જવાબદારી સંભાળતા હતા અને તેમના નેતૃત્વવાળુ માળખુ વિખેરાયુ છે. માત્ર અમદાવાદ નહી અન્ય શહેરોમાં પણ સંગઠનનુ માળખુ વિખેરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસના નવા માળખાની પસંદગી પણ થશે. બીજીબાજુ, હવે કોંગ્રેસ દ્વારા જે નવુ માળખુ બનાવાય તેમાં કોંગ્રેસ પક્ષને વફાદાર હોય, સ્વચ્છ છબી ધરાવતા અને જેન્યુઇન લોકોને જ સમાવવા કાર્યકરોથી માંડી પક્ષના પ્રમાણિક નેતાઓમાં ઉગ્ર માંગણી જોવા મળી રહી છે. કારણ કે, ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના માનીતા અને વિવાદીત માણસોને સમાવી ભારે વિવાદ છેડયો હતો.

               જે મામલે કોંગી હાઇકમાન્ડ  સુધી રજૂઆતો પણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં આંતરિક કલહ અને જૂથવાદની સ્થિતિ વર્ષો જૂની છે અને તે જાણે કોંગ્રેસની ઓળખ બની ગઇ હોય તેમ દર વખતે ચૂંટણીઓ ટાણે સામે આવી જાય છે, તેથી આ વખતે આગામી ૨૦૨૦ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસને મહત્તમ બેઠકો મળે અને અમ્યુકોમાં કોંગ્રેસ સત્તા ફરી એકવાર કબ્જે કરે તે માટે કોંગ્રેસના નવા માળખામાં પક્ષ માટે કટિબધ્ધ, વફાદાર અને જેન્યુઇન લોકોને સમાવી પક્ષને સત્તા અપાવતુ પરિણામ મેળવવામાં મદદરૂપ થાય તેવા માણસોને જ સામેલ કરવા ચોતરફથી ઉગ્ર માંગણી ઉઠી છે. આગામી દિવસોમાં અમ્યુકોની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસનું નવુ માળખુ અને ત્યારબાદ રાજયના અન્ય શહેરોના માળખાની કવાયત હાથ ધરવામાં આવશે.

(8:29 pm IST)