Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જમીન સંપાદન વળતરનો વિરોધ જાપાન પહોંચશે :જીકાના ખેડૂતોનું જશે પ્રતિનિધિ મંડળ

સુરતના જહાંગીરપુરા જીનિંગ મિલમાં બીજા દિવસે જીકાના અધિકારીઓ ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓને મળ્યાં

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનમાં સરકાર તરફથી યોગ્ય વળતરની માંગણી દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે. આ માટે ખેડૂતોએ બુલેટ ટ્રેન માટે નાંણા પૂરી પાડતી જાપાનની JICA (જાપાન ઇન્ટરનેશનલ કોપરેશન એજન્સી)નો સંપર્ક કર્યો છે. જે અનુસંધાને જીકાનું એક પ્રતિનિધિ મંડળ સુરત ખાતે ખેડૂતોને મળ્યું હતું તેમજ તેમની રજુઆતો સાંભળી હતી. જીકાનું પ્રતિનિધિ મંડળ હવે આ અંગેનો અહેવાલ જાપાનમાં જઈને રજૂ કરશે. જીકાના નિર્દેશ પ્રમાણે જો ખેડૂતોને અન્યાય થશે તો તે બુલેટ ટ્રેન માટેનું ફન્ડિંગ અટકાવી દેશે.

 

   સુરતના જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે સતત બીજા દિવસે જીકાના અધિકારીઓ ખેડૂતો તેમજ તેમના પ્રતિનિધિઓને મળ્યાં હતાં. જીકાના પ્રતિનિધિઓ સામે ખેડૂતોએ તેમને જમીન સંપાદનના બદલામાં યોગ્ય વળતર મળી રહ્યું ન હોવાનું જણાવ્યું હતું. બેઠક દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જીકા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય ફાઇનાન્સ કંપની છે. જીકા તરફથી ભારત સરકારને રૂ. 80 હજાર કરોડનું ફાયનાન્સ મળનાર છે 

  જીકાના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું કે, "ખેડૂત બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે દુઃખી છે. સરકાર યોગ્ય વળતર નથી આપી રહી. સતત બે દિવસ રજુઆત કરવામાં આવી છે કે અમારે બુલેટ ટ્રેન નથી જોઈતી. જમીન સંપાદન મામલે ખેડૂતોને 2018ની જંત્રી પ્રમાણે વળતર મળવું જોઈએ."

   ખેડૂત પ્રતિનિધિએ વધુમાં કહ્યું કે, "જમીન સંપાદન માટે ભારત અને ગુજરાત માટે અલગ અલગ કાયદા હોય તેવું લાગે છે. ગુજરાતની ચિંતા કરતા પીએમ મોદી પણ ગુજરાતના ખેડૂતોને છેતરી રહ્યા છે. જીકાની માર્ગદર્શિકા પ્રમાણે ખેડૂતો ખુશ થવા જોઈએ. જીકા કહે છે કે ખેડૂતની સાથે સાથે ખેતરમાં કામ કરતા મજૂરોને પણ વળતર મળવું જોઈએ. ખેડૂતોનો દબાવવા માટે પોલીસ અને કલેક્ટરના પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે રજુઆત કરવા માટે ખેડૂતનું એક ડેલિગેશન જાપાન જશે. જાપાન જઈને રજુઆત કરવામાં આવશે કે જેવી રીતે બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બને કારણે તમે અસંખ્ય લોકો ગુમાવ્યા હતા એવી જ રીતે આ બુલેટ પ્રોજેક્ટને કારણે ખેડૂતોની હાલત એવી થશે કે તેઓ જીવી પણ નહીં શકે અને મરી પણ નહીં શકે.

(12:47 am IST)