Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગુજરાતમાં ૨૬મી ડિસેમ્બરે બેંક કર્મચારીઓ હડતાળ પર

૭૦ હજારથી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર જશેઃ બેન્કોના મર્જરને લઈ કર્મચારીઓ વિરોધ કરશે : કર્મીઓ આઠમી અને નવમી જાન્યુઆરીના હડતાળમાં પણ જોડાશે

અમદાવાદ, તા.૮ : ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ ૨૬મી ડિસેમ્બરના દિવસે હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ત્રણ જાહેર ક્ષેત્રની બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના સૂચિત મર્જર સામેના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાલ પાડનાર છે. જેના લીધે બેન્ક બંધ રહેશે. મહાગુજરાત બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના કહેવા મુજબ આશરે ૭૦,૦૦૦ બેન્ક કર્મચારીઓ આ હડતાલમાં ભાગ લેશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના નેતૃત્વમાં આ હડતાલ પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રની તમામ બેન્કોના કર્મચારીઓ સૂચિત મર્જર સામેના વિરોધમાં બેન્ક હડતાલ પાડશે. સૂચિત મર્જરના પરિણામ સ્વરૂપે રાજ્યમાં જાહેર ક્ષેત્રોની બેન્કની સંખ્યામાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થશે. કર્મચારીઓ દ્વારા આને લઈને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. સતત બે દિવસ બેન્ક બંધ રહેશે. ૨૫ અને ૨૬મી ડિસેમ્બરના દિવસે બેન્ક બંધ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં જોહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓ આઠમી જાન્યુઆરી અને નવમી જાન્યુઆરીના દિવસે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડ યુનિયન દ્વારા પાડવામાં આવનાર રાષ્ટ્રીય વ્યાપી હડતાલમાં પણ સામેલ થશે. જેના પરિણામ સ્વરૂપે આઠમી નવમી જાન્યુઆરીના દિવસે પણ બેન્કો બંધ રહેશે. એસબીઆઈ તરફથી પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી ચુકી છે. બેન્ક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેન્કના સૂચિત મર્જરને લઈને કર્મચારીઓ નાખુશ દેખાઈ રહ્યા છે. મર્જર અને પ્રાપ્તીથી બેડલોનની વસુલાતને લઈને કોઈ રાહત મળશે નહીં. હકીકતમાં મર્જરના પરિણામ સ્વરૂપે રિકવરી મુશ્કેલ બની રહી છે. છેલ્લા ઘણા સમયથી મર્જર સામેનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શન વેળા બેન્ક કર્મચારીઓ દેખાવ કરશે અને તેમની માંગણીઓને લઈ રજુઆત કરશે.

(9:35 pm IST)