Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પેપર લીક કેસ : તપાસમાં બે વધુ નામો સપાટી ઉપર

નવી માહિતી મેળવવા માટેના તમામ પ્રયાસો જારી : દિલ્હી ગેંગ અંગે પણ અનેક મહત્વપૂર્ણ કડીઓ હાથ લાગી હોવાનો પોલીસનો ધડાકો : ઝડપાયેલાની પૂછપરછ જારી

અમદાવાદ,તા. ૮ : સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર એલઆરડી પેપર લીક કેસમાં તપાસનો દોર જોરદાર રીતે આગળ વધી રહ્યો છે. હવે વધુ બે નામ સપાટી પર આવ્યા છે. આ બે નામમાં મહેન્દ્ર બોડાના અને અશ્વીન રાજપુતના નામ સપાટી પર આવ્યા છે. મહેન્દ્ર બોડાના મનહર પટેલની સાથે કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી છે. જે દિલ્હી ગઇ હતી. ઉપરાંત અશ્વિન રાજપુત લીક આન્સર કીને સરક્યુલેટ કરવામાં સીધી રીતે સામેલ હતો. પોલીસના કહેવા મુજબ દિલ્હી ગેંગના સંબંધમાં તેમને કેટલીક નક્કર વિગત પણ હાથ લાગી છે.ગુજરાત લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં  ધરપકડ કરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી ચુક્યા છે.  જયારે આરોપી રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસે ગઇકાલે શુક્રવારે ત્રણેય આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં લોખંડી જાપ્તા સાથે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમેદવારોને ચાર ગાડીઓમાં ચિલોડાથી ગુડગાંવ લઇ જવાયા હતા અને ત્યાંથી દિલ્હીની ગેંગના માણસો તેમના વાહનોમાં ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા અને ત્યાં જુદા જુદા સ્થળોએ પાંચ-પાંચના ગ્રુપમાં બધાને પેપર અને આન્સરશીટ બતાવ્યા હતા તેથી દિલ્હીની આ ગેંગના સંપર્કો, તેના સભ્યો, આન્સર શીટ કોણે આપી અને દિલ્હીની ગેંગ સિવાય અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલું છે તે સહિતના મુદ્દે આરોપીઓના સાથે રાખી તપાસ કરવાની છે. પેપર લીક થયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા રહ્યા હતા, તેથી તેઓ કયાં કયાં ગયા અને કોના સંપર્કમાં આવ્યા તેમ જ તેઓને કોણે કોણે મદદગારી કરી, આશરો આપ્યો તે સહિતની વિગતો પણ જાણવાની છે. આરોપીઓને સાથે રાખી દિલ્હી સહિતના સ્થળોએ તપાસ માટે જવાનું છે. આ સંજોગોમાં કોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની આ રિમાન્ડ અરજી ધ્યાને લીધા બાદ કોર્ટે યશપાલસિંહ અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જયારે રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  બીજી બાજુ ચકચાર મચાવનાર અને ગુજરાતમાં સરકારની પ્રતિષ્ઠાને ફટકો આપનાર પેપર લીક મામલામાં જુદા જુદા રાજ્યોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પેપર લીક મામલામાં નિલેશ પટેલની પણ ભાડ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે જે કોચીંગ ક્લાસના માલિક તરીકે છે. દિલ્હી ગેંગના ચાવીરૂપ ગુજરાત લીન્કમાં તેમનો હાથ હોઈ શકે છે. એવી શંકા છે કે પટેલ કેટલીક અન્ય પ્રવેશ પરીક્ષાના પેપરો લીક કરવામાં પણ સામેલ છે.

(8:27 pm IST)