Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બ્રોડગેજ લાઇનના કામ માટે મીઠાખળીમાં અંડરપાસ બંધ

આગામી ૧૫ દિવસમાં અંડરપાસ બંધ કરાશે : બ્રોડગેજ અને અંડરપાસ માટે કામ છ મહિના ચાલે તેવી શકયતા : કામગીરીના લીધે લોકોને હાલાકી વેઠવી પડશે

અમદાવાદ,તા. ૮ : રેલવેતંત્ર દ્વારા શહેરમાં આવેલી અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી રેલ વિકાસ નિગમ (આરવીએનએલ) દ્વારા કરાઇ રહી છે. હવે મીઠાખળી અંડરપાસના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે. આગામી ૧પ દિવસમાં તેને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાશે. અંડરપાસનું કામ છ મહિના ચાલે તેવી શક્યતા છે. અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાનો રેલવેતંત્રનો પ્રોજેકટ પાર પાડ્યા બાદ આ રૂટ પરની ટ્રેનની સંખ્યા અને ફ્રીકવન્સીમાં વધારો થવાથી પેસેન્જર્સને ખાસ્સો એવો લાભ થશે. સમગ્ર રેલવે લાઇન શહેર ફરતેથી પસાર થતી હોઇ પેસેન્જર્સમાં કાલુપુર સ્ટેશનેથી શહેરમાં આવેલા ગાંધીગ્રામ, વસ્ત્રાપુર જેવા રેલવે સ્ટેશનને ઘરેથી ધંધા-નોકરીના સ્થળે જવાની અવરજવરમાં વધારો થશે, જેના કારણે રસ્તા પરના ટ્રાફિકની સમસ્યામાં થોડા ઘણા અંશે રાહત મળશે. રેલ વિકાસ નિગમ દ્વારા ગયા મંગળવારે માદલપુર ગરનાળાનું લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને તેને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. રેલવેના સત્તાવાળાઓએ અગાઉ ૭ મીટર પહોળા આ ગરનાળાના બંને ગાળાને વધુ બે મીટર પહોળા કર્યા છે. જોકે ગરનાળાની અગાઉની ૩.પ૦ મીટરની ઊંચાઇમાં મામૂલી વધારો કરી ૩.પપ મીટરની કરાઇ છે. હવે રેલવે સત્તાવાળાઓ મીઠાખળી અંડરપાસના નવીનીકરણનો પ્રોજેકટ હાથ ધરશે. હાલમાં મીઠાખળી અંડરપાસ અપ-ડાઉન લાઇનમાં ૧ર.રપ મીટર પહોળો છે પરંતુ રેલવેતંત્રના નવીનીકરણના પ્રોજેકટ હેઠળ તેને અપ-ડાઉન લાઇનમાં છ-છ મીટર પહોળો કરાશે. રેલવેતંત્ર દ્વારા મીઠાખળી અંડરપાસને ૧૮.૩ મીટરનો અપ-ડાઉન લાઇનમાં પહોળો કરવાની ડિઝાઇન તૈયાર કરાઇ છે. જોકે રેલવેતંત્રએ હાલની મીઠાખળી અંડરપાસની ૪.૧પ મીટરની ઊંચાઇને વધારી ૪.પપ મીટર કરવાની ડિઝાઇન તૈયાર કરી હોઇ આ મામલે ચર્ચા ઊઠી છે. આમ પણ માદલપુર ગરનાળામાં તેમજ મીઠાખળી અંડરપાસમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હોવાથી તેને ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાય છે. જોકે મીઠાખળી અંડરપાસની ઊંચાઇ વધારવાની હોઇ આગામી ચોમાસામાં આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ વકરશે તેમ ચર્ચાઇ રહ્યું છે. દરમ્યાન મીઠાખળી અંડરપાસના નવીનીકરણ માટેની રેલવે સત્તાવાળાઓએ તૈયારી પૂર્ણ કરી હોઇ ત્યાંથી પસાર થતા ટ્રાફિકના ડાઇવર્ઝન પ્લાનની મંજૂરી તેમજ નાગરિકોને જાહેર નોટિસથી જાણકારી આપવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે. જેમાં આશરે ૧પ દિવસનો સમય લાગશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નવીનીકરણ બાદ એપ્રોચ રોડ તૈયાર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સત્તાવાળાઓ અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માદલપુર બાદ મીઠાખળી અંડરપાસ સહિતના ૧૬ અંડરપાસનું કામ હાથ ધરાશે.

 

(7:25 pm IST)