Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રામ મંદિરની માંગ સાથે આજે વિહિપની વિરાટ ધર્મસભા થશે

અમરાઇવાડી ખાતે આજે વિરાટ ધર્મસભા : કેટલાક સાધુ-સંતો, મહંતો ભાગ લેશે : મંદિર મુદ્દે લોકોની લાગણીને લઇ કેન્દ્ર પર દબાણ લવાશે : મજબૂત સલામતી

અમદાવાદ, તા.૮ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવતીકાલે તા.૯મી ડિસેમ્બરના રોજ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે ૧૩૨ રીંગ રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા ખાતે વિરાટ ધર્મસભા યોજાવા જઇ રહી છે. જેમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો-ગામડાઓમાંથી દોઢેક લાખથી વધુ જનમેદની ઉમટે તેવી શકયતા છે. આવતીકાલની ધર્મસભાને લઇ પોલીસ અને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા અત્યારથી જ ખડકી દેવાઇ છે કારણ કે, બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટનાર હોઇ કોઇ અનિચ્છનીય બનાવ ના બને. આવતીકાલે ગુજરાતભરમાં જુદી જુદી જગ્યાએ આઠ વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું છે. જેનો મુખ્ય ધ્યેય રામંદિર નિર્માણનો અને લોકલાગણીને સાકાર કરવાનો છે.  વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી અશોકભાઇ રાવલ, વિહિપ ઉત્તર ગુજરાતના મંત્રી અશ્વિનભાઇ પટેલ, સહમંત્રી હર્ષદ ગીલેટવાલા અને વિહિપના કર્ણાવતી શહેર પ્રમુખ હસમુખભાઇ પટેલના સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ વિહિપના સેંકડો કાર્યકરોએ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આજે ઘેર-ઘેર ફરી લોકસંપર્ક અને બેઠકોનો દોર યોજયો હતો અને આવતીકાલની ધર્મસભા સફળ બનાવવા હાકલ કરી હતી. ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો પણ આ ધર્મસભામાં આવશે.          વિશ્વ હિન્દુ પરિષદની આવતીકાલની વિરાટ ધર્મસભામાં ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો પણ પહોંચવાના છે. આ માટે પક્ષ તરફથી તેઓને ખાસ સૂચનાઓ જારી કરાઇ છે. દરમ્યાન નવા વાડજ વોર્ડ ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ અને વિસ્તારોમાંથી ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો ખાનગી વાહનો, કાર, લકઝરીઓ-બસો મારફતે આવતીકાલની ધર્મસભામાં ભાગ લેવા જવાના છે. આ માટે વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે. અયોધ્યામાં રામમંદિર એ લોકોની લાગણી અને માંગણી છે. તા.૯મીની વિરાટ ધર્મસભામાં મુખ્ય વકતા વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત મહામંત્રી ડો.સુરેન્દ્રજી જૈન સંબોધન કરશે. આ ધર્મસભામાં સંન્યાસ આશ્રમના સ્વામી વિશોકાનંદજી ભારતીજી મહારાજ, ગીતામંદિરના શ્રી સત્યાનંદજી મહારાજ, જગન્નાથજી મંદિરના પ.પૂ.મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, સરયુ મંદિરના શ્રી શિવરામદાસજી મહારાજ, સાંઇધામ,થલતેજના શ્રી મોહનદાસજી મહારાજ સહિતના અનેક સાધુ-સંતો, મહંતો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિર મુદ્દે છેલ્લા ૫૦૦ વર્ષથી ધર્મયુધ્ધ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામમંદિર અને હિન્દુઓના આરાધ્ય દેવ શ્રીરામના નક્કર પુરાવા અને અવશેષો મળ્યા હોવાછતાં આજે પણ હિન્દુસમાજે રામમંદિર માટે આટલા વર્ષોથી રાહ જોવી પડી રહી છે. સુપ્રીમકોર્ટમાં હાલ આ મામલો પડતર છે પરંતુ તે પહેલાં હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. સમગ્ર હિન્દુ સમાજ સહિતના લોકોની લાગણી અને માંગણી છે કે, અયોધ્યામાં હવે રામમંદિર બનવું જ જોઇએ. આ લોકલાગણીને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સંતસમાજે દેશભરમાં વિરાટ ધર્મસભા યોજવાનું નક્કી કર્યું છે અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાત સહિત દેશભરમાં મળી કુલ ૫૦૦ ધર્મસભા યોજાશે. વિહિપે અગાઉ સ્પષ્ટ કરી દીધું છે કે, સુપ્રીમકોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સમગ્ર દેશની જનતાની લોકલાગણી અને માંગણીને લઇ અયોધ્યામાં રામમંદિર મુદ્દે કેન્દ્ર સરકાર પર દબાણ ચોક્કસ ઉભુ કરી શકાય કે જેથી હિન્દુઓનું સપનું સાકાર થાય.

(7:23 pm IST)