Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગુજરાત અને મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર પાનમી નદીના કિનારેથી ૨ બાળા અને મહિલાને ફાડી ખાનાર દિપડો પાંજરામાં કેદ

વડોદરા: ગુરુવારે મોડી સાંજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે. ગયા મહિને દીપડાએ 3 લોકોનો શિકાર કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે બેમાંથી એક દીપડો માનવભક્ષી છે જે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પહોંચી ગયો હતો. દીપડાએ 21 અને 22 નવેમ્બરે બે છોકરીઓને અને 26 નવેમ્બરે એક મહિલાને ફાડી ખાધી. દીપડાને પકડવા માટે અગાઉ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. દીપડાને પાંજરે પૂરવાનું ઓપરેશન પાર પાડવા સાસણથી ફોરેસ્ટ અધિકારીઓને બોલાવાયા.

પાનમ નદીના બંને કિનારા પર દીપડાના પંજાના નિશાન મળતાં પાછળથી ચોક્કસ ખાતરી થઈ કે તે મધ્યપ્રદેશ ગયો છે. પાનમ નદી ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલી છે. રાજ્યના ફોરેસ્ટ અધિકારીઓએ મધ્યપ્રદેશના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને દીપડા વિશે જાણ કરી. દીપડો ત્યાંથી પાછો આવશે તેની શક્યતાઓ હતી એટલે ફોરેસ્ટ વિભાગે તેને પકડવા મૂકેલા પાંજરા હટાવ્યા નહીં. ગુરુવારે મોડી સાંજે ધાનપુર તાલુકાના કોટંબીમાં દીપડાને પકડી લેવાયો.

વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, દીપડાએ ગયા મહિને 3 વ્યક્તિઓની હત્યા કરી હતી તે બાબતે ચોક્કસ હતા. જિલ્લા ફોરેસ્ટ ઓફિસર જે. એલ. ઝાલાએ કહ્યું, “પાંજરે પૂરાયેલા દીપડાના પંજાના નિશાન અગાઉ લોકો પર હુમલો કરનાર દીપડાના પંજા સાથે મળતા આવે છે. દીપડાનો રાક્ષસી દાંત થોડો તૂટેલો છે અને દાંતમાં ઈન્ફેક્શન પણ છે. જેના કારણે દીપડા માટે શિકાર કરવું મુશ્કેલ બન્યું હશે. દીપડાએ શિકાર બનાવેલા એક વ્યક્તિના શરીરના માત્ર નરમ અંગો જેવા કે કાન, નાક અને હોઠ ખાધા. જેથી અમને સંકેત મળ્યો કે દીપડાના દાંતમાં કંઈ સમસ્યા છે.”

બીજો દીપડો ધાનપુર પાસે આવેલા પૂનાકોટામાંથી પાંજરે પૂરાયો. દીપડો કોટંબીમાંથી પકડાયેલા દીપડાં કરતાં ઉંમરમાં ઓછો અને કદમાં નાનો છે. ફોરેસ્ટ ઓફિસર ઝાલાએ જણાવ્યું, બે વ્યક્તિઓએ થોડા અંતરેથી લોકો પર હુમલો કરતાં દીપડાને જોયો હતો. અમે બંને દીપડા તેઓને બતાવીશું જેથી હુમલાખોર દીપડાની ઓળખ કરી શકે.

(4:48 pm IST)