Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૬૩ સરકારી કોલેજો-યુનિવર્સિટીઓમાં ૧૫મીએ સરદાર પ્રતિમા સ્થપાશે

એક જ દિવસમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાનુભાવની પ્રતિમા સ્થાપવાનો પ્રથમ પ્રસંગઃ ભાજપના અગ્રણીઓના હસ્તે અનાવરણઃ ૧૫ ડીસેમ્બર વલ્લભભાઇ પટેલનો નિર્વાણ દિનઃ સરકારે એકતાયાત્રા વખતે બનાવેલ પ્રતિમાઓ મુકાશે

રાજકોટ તા.૮: રાજય સરકારે સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ૧૫ ડીસેમ્બર સરદાર વલ્લભભાઇ પટેલના નિર્વાણ દિને સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન અને પૂજન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એક જ દિવસે એક સાથે ૬૩ જેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એક જ મહાનુભાવની પ્રતિમા સ્થાપાતી હોય તેવું ગુજરાતમાં પ્રથમ વખત બની રહયું છે. શિક્ષણ વિભાગે આ અંગે નાયબ સચિવ અશોકસિંહ પરમારની સહીથી પરિપત્ર બહાર પાડયો છે. સરકાર સાથે જોડાયેલા ભાજપના અગ્રણીઓના હસ્તે પ્રતિમા સ્થાપન થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જયેશ રાદડિયાના હસ્તે, ભાવનગર વિનયન કોલેજમાં વિભાવરીબેન દવેના હસ્તે, પડધરી કોલેજમાં પંકજ ભટ્ટના હસ્તે, કોટાડાસાંગાણીમાં નરેન્દ્રભાઇ સોલંકીના હસ્તે, ગારીયાધારમાં મહેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે, જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ધનસુખ ભંડેરીના હસ્તે, ભાણવડમાં મૂળુભાઇ બેરાના હસ્તે પ્રતિમા સ્થાપન થશે. અન્ય મહાનુભાવોને પણ કોલેજ-યુનિવર્સિટીઓ ફાળવાયેલ છે.

સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે રાષ્ટ્રના લોહપુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની યાદગીરી રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજમાં કાયમ રહે. રાજયની યુવા પેઢી તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતી રહે તેવા શુભ આશયથી રાજય સરકારની વિચારણા હતી કે તેઓની પ્રતિમા રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજના કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવે. આથી સરદાર પટેલની આગામી પુણ્યતિથી તા. ૧૫-૧૨-૨૦૧૮ થી રર-૧૨-૨૦૧૮ ના સમયગાળા દરમ્યાન સામેલ યાદી મુજબની રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તે દિવસે એક સાથે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવે છે. આ માટેની આયોજન અને અમલીકરણની તમામ જવાબદારી નિયામકશ્રી ઉચ્ચ શિક્ષણને સોંપવામાં આવે છે.

(૧) જે યુનિવર્સિટીઓમાં પ્રતિમા સ્થાપિત કરવાની છે તેની યાદી આપેલ છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓ / રજિસ્ટ્રારશ્રીઓએ તેની સ્થાપના અંગેની યોગ્ય જગ્યા તાત્કાલિ સુનિશ્ચિત કરી લેવા જણાવવામાં આવે છે.

(ર) જે કોલેજમાં પ્રતિમા સ્થાપિત કરવાની છે તેની યાદી આપેલ મુજબ છે. આ કોલેજોનો આચાર્યશ્રીઓએ પોતાની કોલેજના કેમ્પસમાં તેની સ્થાપના અંગેની યોગ્ય જગ્યા તાત્કાલિક સુનિશ્ચિત કરી તે જગ્યાએ આશરે ૫ ફુટ ઉંચાઇ + ૧ ફુટનું સ્ટેન્ડ અને આશરે ૫ થી ૬ કિલો વહન ધરાવતા બાવલા માટે ઉપયુકત પ્લેટફોર્મ વિગેરે તૈયાર કરાવવા તથા તખ્તી વિગેરે પણ તૈયાર કરાવવી.

(૩) તાજેતરમાં રાજયભરમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા યાત્રા દરમિયાન જે પ્રતિમાઓ તૈયાર કરવામાં આવેલી તે પ્રતિમાઓ આ સ્થાપન માટેે ઉપલબ્ધ છે. આ પ્રતિમાઓ જે તે યુનિવર્સિટી અને કોલેજોએ જે જગ્યાએ હાલ આ પ્રતિમાઓ રાખવામાં આવી છે ત્યાંથી આગોતરૂ આયોજન કરીને મેળવી લેવાની રહેશે.(૧.૨૦)

(4:31 pm IST)