Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ફી કમિટિનું ડીંડકઃ ખાનગી શાળાઓની ફીમાં તોતીંગ ફી વધારો ઝીંકયો

રાજ્ય સરકારના ઉમદા ધ્યેય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની મહત્વકાંક્ષી યોજના પર પાણી ફેરવતી કમિટિઃ ફી કમિટિના ડી.વી.મહેતાની ખંધી ચાલથી વાલી અને સંચાલકો વચ્ચે ઘર્ષણની ભીતિઃ રીફંડની યાદી બહાર પાડી ગત વર્ષ કરતા સરેરાશ ૪ થી ૧૦ હજાર સુધીનો ફી વધારો મંજુર કર્યોઃ વાલીઓમાં પ્રચંડ રોષ

રાજકોટ, તા. ૮ :. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ગુજરાતના તમામ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે ફી અધિનિયમનનો કાયદો વિધાનસભામાં પસાર કર્યો હતો. જેનો શાળા સંચાલકોએ વિરોધ કરી હાઈકોર્ટમાં પડકારેલ પરંતુ હાઈકોર્ટે પણ ગુજરાત સરકાર અને વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ અને સરકારની જીત બાદ ખાનગી શાળાઓના સંચાલકોએ સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી હતી. જેમાં ફીનું વ્યવસ્થિત માળખા માટેની પોલીસી નક્કી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર નિર્દિષ્ટ ફી અધિનિયમન સમિતિ રાજકોટ ઝોન દ્વારા ખાનગી શાળાઓની ફીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ પ્રથમથી જ વાલી અને શાળાઓ સંચાલકો વચ્ચે ફી બાબતે દ્વિધા ચાલતી હતી તેમા વધારો થયો છે. બે વર્ષની ફી ચુકવ્યા બાદ પણ કોઈ ફીનુ યોગ્ય ધોરણ નક્કી ન થતા શિક્ષણ ખોરંભે પડયુ હતું તો કેટલીક જગ્યાએ ફી કમિટિની નિષ્ક્રીયતાના કારણે ગુણવત્તા પર પણ ભારે અસર પડી હતી.

ભાજપ અગ્રણી અને ૩ ખાનગી સ્કૂલના સંચાલક તરીકે સરકાર વતી ખાનગી શાળાના સંચાલકોને સમજાવતા ડી.વી. મહેતા ખુદ તેની શાળાની ફી પણ નક્કી કરી શકયા નથી ત્યારે ગઈકાલે કેટલીક શાળાઓની ફીનું ગત વર્ષની સરખામણીમાં કેટલો વધારો કર્યો તેની વિગત જાહેર કરવાના બદલે સીધી જ રીફંડની વિગતો દર્શાવી છે. વાસ્તવમાં તો મોટા ભાગની ખાનગી શાળાઓએ ફીનો વધારો માગી લીધો છે અને દરખાસ્તમાં ફીનુ માળખુ જ સ્વમૂલ્યાંકનમાં વધારી દીધી હતી. તેમાં ૧૦ - ૧૨ ટકાનો ઘટાડો કરી ખાનગી શાળાઓની ફીનો વધારો ઝીંકયો છે. ડી.વી. મહેતા સામે ખાનગી શાળાના સંચાલકો અને ભાજપ આગેવાનોમા પણ ભારે નારાજગી ઉભી થઈ છે.

ફી નિયમન સમિતિની યાદીમાં જણાવાયુ છે કે, સૌરાષ્ટ્રભરના દસ જિલ્લાઓની ૬૦૦૦થી પણ વધારે શાળાઓના ફીનું નિર્ધારણ કરતી કાર્યરત રાજકોટ ઝોનની ફી નિર્ધારણ સમિતિનું કાર્ય ઝડપભેર થઈ રહેલ છે. ફી નિયમન સમિતિ દ્વારા ૧૦ જિલ્લાઓની ૩૫૦૦થી પણ વધારે શાળાઓની એફીડેવીટના કેસોનો નિકાલ કરી ફીનું નિર્ધારણ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફી નિયમન સમિતિ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ તા. ૩૧-૭-૧૮ સુધીમાં આવેલ શાળાઓની દરખાસ્તના નિકાલનું કાર્ય પણ પૂરજોશમાં આગળ વધી રહેલ છે. સમિતિ દ્વારા આશરે ૨૫૦ જેટલી લેટ દરખાસ્તમાંથી ૧૦૦થી પણ વધારે શાળાઓનું હિયરીંગ કાર્ય ચાલી રહેલ છે. તેમજ ૩૫ જેટલી દરખાસ્ત શાળાઓનું ફી નિર્ધારણ પણ કરી નાખવામાં આવેલ છે. જેમાં રાજકોટની નોર્થ સ્ટાર સ્કૂલ, રાજકુમાર કોલેજ, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સનફલાવર સ્કૂલ, શુભમ સ્કૂલ, શ્રી હરી સ્કૂલ, બી.કે. ઈંગ્લીશ સ્કૂલ, રાજમંદિર માધ્યમિક શાળા, ટાઈમ્સ સાયન્સ સ્કૂલ, અક્ષર સ્કૂલ, સાગર પ્રાયમરી સ્કૂલ, ધ લોટસ ઈંગ્લીશ સ્કૂલ, આર્ય વિદ્યાપીઠ, સેંટ મેરી સ્કૂલ ગોંડલ, સર્વેશ્વર વિદ્યામંદિર, આત્મીય સ્કૂલ ઓફ સાયન્સ, આત્મીય શિશુ વિદ્યામંદિર, સુહાર્દ બાલમંદિર વગેરે શાળાઓનું ફી નિર્ધારણ કરવામાં આવેલ છે. ખાસ કરીને રાજકુમાર સ્કૂલને છેલ્લા બે વર્ષમાં અપાયેલ નવા ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૫૦,૦૦૦ દરેકને પરત કરવા હુકમ કરેલ છે. આમ કુલ ૨,૫૦,૦૦,૦૦૦ (અઢી કરોડ)નું રીફન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આજ પ્રકારે નોર્થસ્ટાર સ્કૂલની વર્ષ ૨૦૧૮-૧૯ની રૂ. ૨,૦૦,૦૦૦ થી રૂ. ૩,૦૦,૦૦૦ ફીની દરખાસ્ત માટે ૧,૩૫,૦૦૦થી રૂ. ૧,૮૦,૦૦૦ સુધીની ફીનું નિર્ધારણ કરવામાં આવેલ છે. વિશેષમાં નોંધપાત્ર હકીકત શાળાની ૨૦૧૯-૨૦ના વર્ષની પણ આ ફી ચાલુ રાખવા હુકમ કરેલ છે. નિર્મલા કોન્વેસ્ટ સ્કૂલને રૂ. ૭૫,૦૦,૦૦૦ (પંચોતેર લાખ) રીફંડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. એ જ પ્રકારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલની ફીમાં પણ વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦૦૦થી રૂ. ૫૦૦૦ સુધીનો ઘટાડો દરેક વર્ગમાં કરવામાં આવેલ છે. ટી.એન.રાવ સ્કૂલ ઓફ ગર્લ્સની પ્રપોઝડ ફીમાં રૂ. ૬૫,૦૦,૦૦૦ (પાંસઠ લાખ) જેટલો ઘટાડો કરવામાં આવેલ છે. આત્મીય ગ્રુપની શાળાઓના વિદ્યાર્થીઓને રૂ. ૩૫,૦૦,૦૦૦નુ રીફંડ આપવા હુકમ કરવામાં આવેલ છે.(૨-૧૮)

(4:31 pm IST)