Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ન્યૂ યરની ઉજવણીઃ દીવ-દમણ, અને માઉન્ટ આબુની હોટલો ફૂલ

મુંબઇ-ગોવા સહિતનાં સ્થળોનાં ફલાઇટનાં ભાડાં પણ વધી ગયાં

મુંબઇ તા.૮: ડીસેમ્બર અંતમાં નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતીઓનું હોટ ફેવરીટ ડેસ્ટિનેશન ગોવા છે, જેના કારણે અત્યારથી જ ગોવા જવાાના ઉત્સુકો મોટી સંખ્યામાં હોવાથી ગોવા તરફ જતી ફલાઇટના ભાડાં રપ હજાર સુધી પહોંચ્યા છે, જેઓને આટલાં મોંઘા બજેટ ફાળવવાનુ પોસાય તેમ નથી તેઓ દિવ,દમણ અને માઉન્ટ આબુ પહોંચે છે. આ જગ્યાઓએ ખાનગી વાહન વ્યવસ્થા સરળ હોવાને કારણે અત્યાર સુધીમાં હોટલોના બુકિંગ હાઉસફૂલ થઇ ચૂકયા છે.

ગોવાની ક્રિસમસ ઉજવણીનો માહોલ અલગ પ્રકારનો રહે છે. ક્રિસમસ સેલિબ્રેશન ન્યૂ યરની તૈયારીઓ ત્યાં ખૂબ પહેલાંથી કરવામાં આવે છે. ડીસેમ્બર શરૂ થતાં જ ઘરમાં રંગ કરવામાં આવે છે. વિવિધ સુશોભનની વસ્તુઓથી ઘર સજાવવામાં આવે છે. ક્રિસમસને ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ તહેવારની ઉજવણી માટે ગોવા 'હોટ ડેસ્ટિનેશન' છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ક્રિસમસની ઉજવણી માટે ગોવા પહોંચી જતા હોય છે. એરલાઇન કંપનીઓએ આ ઘસારાનો લાભ લેવા માટે ગોવા માટેનું રિટર્ન એરફેર અઢી ગણું કરી દીધું છે.

સામાન્ય દિવસોમાં ગોવા માટેનું રિટર્ન એરફેર રૂપિયા ૪ થી ૬ હજાર હોય છે, પરંતુ ક્રિસમસની રજાઓમાં રિટર્ન એરફેર વધીને રૂપિયા રપ હજાર થઇ ગયું છે. આગામી દિવસો દરમિયાન ગોવા માટેનું એરફેર હજુ પણ રૂપિયા ૩૫ હજાર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત અમદાવાદથી ગોવા માટેની ટ્રેનનું પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. 'આ વખતે શનિ, રવિ, સોમ એમ ત્રણ દિવસની રજાઓ આવી જતી હોવાથી પ્રવાસીઓનો ઘસારો ગત વર્ષની સરખામણીએ ખૂબ જ વધારે છે. એરફેર અને હોટલ ટેરિફ સાથે એક કપલ ગોવામાં બે રાત-ત્રણ દિવસના પેકેજમાં જાય તો તેને ઓછામાં ઓછા રૂપિયા ૬૦ હજારનો ખર્ચ થઇ શકે છે.

આ ઉપરાંત દીવ, દમણ, માઉન્ટ આબુ, ઉદયપુર જેવા નજીકના ફરવાના સ્થળોએ પણ ભારે ઘસારો જોવા મળે છે. ગુજરાતીઓમાં ગોવા ઉપરાંત દુબઇનું એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ૨૦ હજાર હોય છે જયારે ક્રિસમસની રજાઓમાં એરફેર વધીને રૂપિયા ૩૫ હજાર થઇ જાય છે. બેંગકોકનું એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ૨૫ હજારના સ્થાને ૪૦ હજાર સુધી પહોંચે છે.

ચાલુ વર્ષે ગોવાની વન-વે ટિકિટનો ખર્ચ ગયા વર્ષના રાઉન્ડ ટ્રીપના ખર્ચ કરતાં પણ વધુ છે. નવા વર્ષની ઉજવણીની મજા માણવા પ્રવાસીઓની બીજી પસંદગી દીવ છે. દીવનાં બીચ-કિલ્લો-પાણીને પૌરાણિક ચર્ચ પર્યટકોના મુખ્ય આકર્ષણનાં કેન્દ્ર બન્યાં છે, જેમાં હોટલ સિવાય દીવ સુધી પહોંચવા માટે બહુ લાંબો ખર્ચ કરવો પડતો નથી.

 

(3:57 pm IST)