Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

લંડન... વિવિધતા - વિચિત્રતા - માનવીય ધબકારની આહ્લાદકતા

નિવૃત્ત આઇએએસ ડો. દિનેશ બ્રહ્મભટ્ટની યાત્રાનો 'અર્ક':જિંદગી, જિંદગી - કેટલા રંગો, કેટલી માનવીય સંવેદનાઓ, કેટલા કેટલા પ્રવાહો?

નવેમ્બરના ઉત્તરાર્ધમાં વિશાળકાય એરબસ ૩૮૦ લંડનના હિથ્રો એરપોર્ટ પર ઉતર્યું ત્યારે ૬ વર્ષ પછી પુનઃ લંડન આવવાનો આનંદ હતો. ૩ ડિગ્રી ઠંડી અને નોર્થ સી પરથી આવતા ઉત્તર ધ્રુવના સુસવતા પવનો આગામી શિયાળો ઈગ્લેંડમાં કેવો કારમો હશે? તેની આગાહી આપતા હતાં. ગઈકાલે હળવી બરફવર્ષા પણ થઈ હતી. લંડન એક અદભૂત અને ઐતેહાસિક ઘટનાઓનું સાક્ષી શહેર છે. શ્રેષ્ઠ પરિવહન વ્યવસ્થા, દુનિયાના નાણાંકીય વ્યવહારો, ફેશન્સ, આંતર રાષ્ટ્રીય વ્યાપાર અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર એવું ઈગ્લેંડ અત્યારે પોતાના સ્થાનિક વમળોમાં ફસાઈ ગયું છે. એકબાજુ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે તો સાથોસાથ બ્રિટનના એક નાગરિકને અબુધાબી દ્વારા જાસુસી કરવાના ગુન્હા માટે આજીવન કેદની સજા ફટકારી દેતા સમગ્ર બ્રિટનમાં ભારે ઉહાપોહ ચાલી રહ્યો હતો. અકિલા જે રીતે સમાચારોમાં પ્રથમ રહે છે તે રીતે લંડનનું “Daily Mail” ભારે લોકપ્રિય છે. સ્વતંત્ર અને નિર્ભય મીડીયા લોકશાહીનો પ્રાણ છે. લંડનમાં અત્યારે ક્રિસમસની તૈયારીઓ થઈ રહી છે. રંગબેરંગી લાઈટ્સ, ક્રિસમસ ટ્રી અને પાર્ટીઓ યોજાઈ રહી છે. આ વખતે વર્ષો પછી કદાચ બરફવર્ષાને કારણે ડિસેમ્બરમાં “White Christmas” લોકોને જોવા મળે તેવું અનુમાન છે. લંડનમાં આ લખાય છે ત્યારે બપોરના ત્રણ વાગ્યા છે અને અંધારુ થઈ ગયું છે. સખત ઠંડક પ્રસરી રહી છે અને કુદરતની કૃપા જેવા હળવા વરસાદના ફોરા પણ વરસી રહ્યા છે. આ વખતનો શિયાળો છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ કઠોર હોવાનો હવામાન વિભાગનો વર્તારો છે. 

દુનિયામાં જેનો સૂર્ય કદી આથમતો ન હતો તે ગ્રેટબ્રિટન અત્યારે પોતે આથમી રહ્યુ છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. નાગરિક સેવાઓ ધીમી પડી છે. લંડનના મેયર પાકિસ્તાનના સાદિકઅલી છે અને ગૃહસચિવ પણ મુસ્લિમ છે તેવું સાંભળ્યું છે. લેસ્ટરમાં મેયર મોટાભાગે ગુજરાતી જ બને છે. રાજકોટ મ્યુનિ.કોર્પો. અને લેસ્ટરના મ્યુનિ.કોર્પો. વચ્ચે સિસ્ટર સીટીના કરારો થયાં છે. ગુજરાતીઓ સમગ્ર બ્રિટનમાં સારી રીતે સ્થાયી થઈ ગયાં છે. ઈતિહાસમાં પ્રથમવાર ગોરાઓ લંડનમાં લઘુમતીમાં આવી ગયાં છે.

અકિલાની વેબસાઈટ વિશ્વભરના ગુજરાતીઓમાં લોકપ્રિય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના, ગુજરાતના બહાર વસતા ગુજરાતીઓ અચૂક અકિલાની વેબસાઈટ અને ઈ-પેપર થી પોતાના વતનના સમાચારો મેળવતા રહે છે. મારા યુએસએ ના ૨૦૦૮ ના પ્રવાસ દરમ્યાન ૭૮ વર્ષના ઉપલેટાના પટેલ માજી નિયમિત અકિલા વેબસાઈટ વાંચતા હતાં, તેવો અહેવાલ ફોટો સાથે મેં અકિલાને મોકલ્યો હતો. મારા મ્યુનિ.કમિ. રાજકોટ તરીકેના સમય દરમ્યાન સંખ્યાબંધ એનઆરઆઈ અને ગુજરાતી પરિવારો ફકત અકિલાથી જ મને ઓળખતા અને સંપર્ક રાખતા થયાં હતાં. આવા જ એક ગુજરાતી એનઆરઆઈ દિપક પરમારની વાત આ લેખનો મુખ્ય આધાર છે. અકિલાના ભારે ચાહક અને વર્ષોથી વેબસાઈટ પરથી પોતાના વતન પોરબંદર-કુતિયાણા, રાજકોટ અને સમગ્ર ગુજરાત અને દેશ વિષે વાંચતા રહે છે તેની વિગતો મેં મારી ૨૦૧૨ ની મુલાકાત દરમિયાન જાણી અને તેનો અકિલા વેબસાઈટ વાંચનનો ફોટો અને અહેવાલ પણ અકિલાએ પ્રસિધ્ધ કર્યો હતો. (ર જૂન ર૦૧૨)

જિંદગીની કરવટ અને પ્રવાહો ભારે છેતરામણા છે. જિંદગી કયારે શું આપશે અને શું છિનવી લેશે? તે આપણે કોઈ જાણતા નથી. જિંદગીના અવિરત વહેતા પ્રવાહમાં આપણે વહી રહ્યા છીએ. કયારે શું કેવી રીતે બનશે તે આપણે જાણતા નથી. આનંદ ફિલ્મમાં રાજેશ ખન્ના કહે છે તેમ જિંદગીના રંગમંચ ઉપર આપણે સૌ કઠપૂતળીઓ જ છીએ. જિંદગીના બદલતા રંગો અને બનાવો આપણી આજુબાજુની દુનિયા, લોકોની અને ખાનદાની અથવા નબળી માનસિકતાનો પરિચય પણ કરાવે છે. સારા અને ખરાબ દિવસો આપણી આજુબાજુના લોકો, મિત્રો, સગાઓ અને શુભેચ્છકોનો વાસ્તવિક પરિચય કરાવે છે.

લંડનની મેરેથોન દોડના અગ્રેસર, યુવાન બિઝનેસમેન, છ ફૂટ કરતા વધુ ઉંચાઈ અને શ્રેષ્ઠ તંદુરસ્તી ધરાવતા દિપક પરમાર ૨૦૧૦ માં પોતાની નવી ખરીદેલી મર્સિડિઝ ચલાવી રહ્યા છે અને અચાનક તેને લાગે છે કે તેઓ બ્રેક મારી શકતાં નથી. જુદીજુદી દાકતરી તપાસો, રિપોટર્સ અને ટેસ્ટ પછી સૌને કારમી હકીકત સમજાય છે કે તેમને MND એટલે કે 'મોટર ન્યુરોન ડિસિઝ' થયો છે. દસ લાખમાં એકાદને થતાં આ રોગમાં હાથપગને ચલાવતા મગજના ન્યુરોન સેલ નિષ્ક્રિય અથવા નકામા થઈ જતાં માણસ ધીમેધીમે પથારીવશ થઈ જાય છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સ્ટિફન હોકિન્સને આ રોગ થયો હતો તે અકિલાના સુજ્ઞ  વાચકો જાણે છે. વ્હિલચેર, પથારી, સંગીત, વાંચન અને રૂમના કાચના દરવાજામાંથી દેખાતા આકાશ, વૃક્ષો અને પક્ષીઓને જોતા જોતા દિપકભાઈએ પોતાના ભવિષ્યને ભગવાન, ડોકટર્સ અને કુટુંબીજનોને હવાલે કરી દીધું. ૨૦૧૨ સુધીમાં સમગ્ર નીચેનું અંગ ખોટુ પડી ગયું અને આજે ૨૦૧૮ માં બંને હાથ અને જીભ, વાચા ક્રમશઃ બંધ થઈ રહી છે.

મધ્યાન્હે સૂર્ય આથમી રહ્યો છે

૨૦૧૨ માં હું ફકત તેમને મળવા જ આવ્યો અને ૨૦૧૮ માં પણ ફકત તેમની સાથે બેસીને તેમને આનંદની વાતો કરાવવા સિવાય અમારી દંપતિની લંડન મુલાકાતનો બીજો કોઈ આશય નથી. દિપક પરમારના દુઃખમાં આપણે બીજી કોઈ રીતે ભાગ પડાવી  શકીએ તેમ નથી પરંતુ તેમને મળીને હળવાશનો અનુભવ કરાવવાનો હેતુ છે.

અગાઉ કહ્યુ તેમ જિંદગીમાં બનતા બનાવો મનુષ્યની આંતરિક તાકાત, મનોબળને વધારે-ઘટાડે પણ છે. આવી પડેલી આપતિને દિપકભાઈ અને સમગ્ર પરિવારે એક પડકાર તરીકે ઝીલી લીધી છે. જે કંઇ બન્યુ તેને સમગ્ર પરિવારે સ્વીકારીને દિપકભાઈની દૈનિક ધોરણે સારવાર અને સારસંભાળ ઉપાડી લીધી છે. કોઈ ફરિયાદ કે કચાશ નથી રાખી આ કુટુંબે. શ્રીમતી સુમીબેન પરમારે પોતાનો સંપૂર્ણ સમય દિપકભાઈના નામે કરી નાખ્યો છે, પરંતુ આ મુલાકાતમાં  મને સૌથી સુખદ આશ્ચર્ય અને આનંદ એ વાતનો થયો છે કે, તેમનાં પત્ની અને બંને સુપુત્રો ચિ.વિશાલ અને કોમલે પોતાની દિનચર્યા અને બિઝનેસ એ રીતે ગોઠવી દીધો છે કે કોઈ એક વ્યકિત સતત દિપકભાઈની સાથે જ રહે. ભારતમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને કુટુંબપ્રથાના મોટા હાકલા-પડકારા ફેંકતા અને સાથે જ વૃધ્ધ માબાપનું હાલતા-ચાલતા અપમાન કરતાં કે તેમની કાળજી ન લેતા કુટુંબો માટે આ બાબત દાખલારૂપ છે. રાજકોટમાં પોતાની બિમાર માને અગાસીમાં લઈ જઈ ફેંકી દેતા કે વૃધ્ધ માબાપને વૃધ્ધાશ્રમમાં મૂકી કે તેમની હાય અને નિઃસાસા લેતા તમામ યુવાનો, કુટુંબીજનો માટે આ અહેવાલ છે. અમિતાભ બચ્ચન તેના માતૃ-પિતૃ પ્રેમ માટે ઉદાહરણરૂપ છે. એક ઈન્ટરવ્યુમાં અમિતાભે હમણાં જણાવ્યું કે પોતે જયારે વૃધ્ધ માબાપના અપમાન, નિષ્કાળજી કે યુવા પેઢીની ઉપેક્ષા વિષે વાંચે કે સાંભળે ત્યારે તેને કંપારી છૂટે છે. કદાચ એટલે જ અમિતાભે 'બાગબાન' ફિલ્મમાં માબાપની ઉપેક્ષા  કરતાં તેમના સંતાનો સામે લાજવાબ અભિનય આપ્યો છે.

વાતવાતમાં આપણે પશ્યિમી સંસ્કૃતિની ટીકા કરતા રહીએ છીએ. પશ્યિમમાં ફેમિલી પ્રથા ખાસ નથી. યુવા બાળકો માબાપની જવાબદારી લેતા નથી તે એક હકીકત છે. દુનિયાના સૌથી સુખી દેશો પૈકી જાપાન, યુએસએ, સ્વિડન, નોર્વે, ફિનલેન્ડ, ડેન્માર્ક જેવા દેશોમાં વૃધ્ધ માણસોની સારસંભાળ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે દિપકભાઈના બંને યુવાન સુપુત્રોએ આધુનિક શ્રવણ બનીને પોતાનું હરવાફરવાનું, મોજમજા અને મિત્રોના સમય પર કાપ મૂકી ફકત પોતાના બિમાર બાપની સેવામાં જ પોતાનો સમય આપી દીધો છે, ત્યારે આ સ્ટોરી પોતાની બિમાર માને અગાસીમાંથી ફેંકી દેતા અને વૃધ્ધાશ્રમનો રસ્તો બતાવનાર કે હાલતા-ચાલતા અપમાન કરનાર ભડવીર કુપુત્રોને દર્પણ સમાન છે. માબાપને સાક્ષાત દેવતા ગણવાનું શાસ્ત્રોમાં પ્રમાણ કહ્યુ છે. માબાપ પોતાનું સર્વસ્વ પોતાના સંતાનો માટે ફના કરી દે છે, ગણત્રી કરતાં નથી અને પોતે સહન કરી, કરકસર કરી પોતાના સંતાનો માટે કુરબાની આપે છે તે જ સંતાનો જયારે માબાપની ઉપેક્ષા, કડવા વચનો અને અપમાનો કરે છે ત્યારે માબાપના નિઃસાસા સમગ્ર વાયુમંડળમાં કંપારી પેદા કરે છે.

હું આ બલિદાન, કુટુંબની પ્રતિબધ્ધતા અને સેવા જયારે નજરે જોઈ રહ્યો છુ ત્યારે જે જે પરિવારો, પુત્ર, પુત્રીઓ કે પત્ની આ પ્રમાણે પોતાના પરિવાર, વૃધ્ધ માબાપ કે બિમાર પરિવારજનની સેવા કરે છે તેમના માટે મારો આદર વ્યકત કરું છું. આપણા દેશમાં હજૂ મોટાભાગના પરિવારો કુટુંબપ્રથા, બલિદાન અને ત્યાગની ભાવનાથી પ્રેરિત છે ત્યારે કેટલાક છટકેલા, બગડેલા યુવાનો કે પરિવારો આ વાંચીને કંઈક પ્રેરણા લેશે તે આશયથી આ લખી રહ્યો છું. શ્રી દિપકભાઈની તમામ દૈનિક ક્રિયાઓ, સ્નાન, નાસ્તો કરાવવો કે વ્હિલચેરમાં બેસાડવા અને બહાર ફરવા લઈ જવાની કામગીરી તેમના બંને પુત્રો અને તેમના ધર્મપત્ની સુમીબેન કરી રહ્યા છે તે ભારે આદર અને સન્માન જન્માવે છે. દિપકભાઈની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરવી, સંગીત સંભળાવવું કે વાંચન, સંભળાવવું, બહાર ફરવા લઇ જવા અને સતત તેઓની સાથે વાતચીત કરીને સમગ્ર કુટુંબ તેમની સાથે જ છે. તેવો સુખદ અહેસાસ કરાવવો તે નાનીસૂની વાત નથી.

૨૦૧૦ થી ૨૦૧૮ કંઈ નાનો સમયગાળો નથી. બિમારની સારવાર ભલભલાને કંટાળો અને થાક લાવી દે છે, ત્યારે આ કુટુંબનું સમર્પણ એક દાખલરૂપ છે અને તે પણ એવા દેશમાં કે જયાં યુવાનો માબાપની કોઇ દરકાર લેતા નથી. બિમારી કે મૃત્યુ સમયે પણ હાજર રહેતા નથી તેવા દાખલાઓ છે. પશ્ચિમની સંસ્કૃતિનું વરવુ અનુકરણ કરવાને બદલે આ બંને સુપુત્રો અને તેમની માતા જે રીતે આપણા દેશની આદર્શ કુટુંબ પરંપરા કે કુટુંબ સેવા માટે નમૂનારૂપ દાખલો બની રહ્યા છે તેને અકિલાના વાચકો અને સમગ્ર ગુજરાતી સમાજ સમક્ષ અકિલા મારફતે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ છે. કિરીટભાઈ એક સંવેદનશીલ અને માનવીય તત્વથી ભરેલા છે. કયાંય પણ એવું કંઇક બને કે જાણવા મળે કે જેનાથી માનવીય તત્વો, માનવીય સંવેદનાઓ ઉજાગર થતી હોય તો અકિલા તુરત જ તક ઝડપીને આવી ઉમદા અને માનવીય સ્પર્શની વાતો પોતાના વિશાળ વાચકવર્ગ સમક્ષ મૂકે છે ત્યારે મારો આ નમ્ર પ્રયાસ એવો છે કે દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને આવી ઉમદા વાતમાંથી કંઈક પ્રેરણા મળે અને છેવટે કંઇ નહી તો એકાદ-બે ભટકેલ અને માબાપ પ્રત્યે ઉપેક્ષા કરનાર યુવાનો, પુત્રો કે પરિવારના આત્માને આ લખાણનું મર્મ સમજાય અને માબાપની સેવા પ્રત્યે વળે તો પણ મને આનંદ થશે. કમનસીબે, હું મારા માબાપને તેમના અંતિમ સમયે વધુ સમય નોકરીની જવાબદારીને લીધે આપી શકયો નથી તેનો વસવસો મને જિંદગીભર રહેવાનો છે. નોકરી, કેરિયર, વિકાસ આ ખાલી ફકત વાતો છે, જો તમે તમારા માબાપને સમય ન આપી શકો કે તેમની બિમારી કે એકલતા કે ખરાબ સંજોગોમાં તમારી ફરજ ન બજાવી શકો તો આપણો વિકાસ શૂન્ય છે. આ બધી બાબતો વાચકના આત્માને સ્પર્શે અને તેમને ચોક્કસપણે વિચારતા કરી મૂકે તો મારુ આ ટૂંકુ લખાણ સાર્થક ગણાશે.                

૨૦૧૦ માં આ રોગના નિદાન સમય ડોકટરોનુ અનુમાન હતુ કે આવા દર્દી ૧૨ થી ૧૪ માસ સુધી જ જીવી શકે તેના બદલે ૨૦૧૮ માં આનંદિત દિપકભાઈ મનની હકારાત્મક તાકાત અને સરકારની શ્રેષ્ઠ મદદ અને સમગ્ર પરમાર પરિવારની હૂંફ અને કાળજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અર્ધજાગૃત મનની પ્રચંડ હકારાત્મક તાકાત, સતત ભાવયોગમાં રહેવુ અને કુટુંબનો ટેકો બિમારીને પણ મારી ભગાવે છે તેનો આ જીવંત દાખલો છે. સ્ટિફન હોકિન્સે આવી અવસ્થામાં બ્રહ્માંડના બ્લેક હોલ અને બીગ બેંગ થિયરીમાં શ્રેષ્ઠ સંશોધનો કર્યા. સ્ટિફન હોકિન્સને ર૦ માં વર્ષે નિદાન પછી બે વર્ષમાં મૃત્યુ થશે તેવા ડોકટરોના અભિપ્રાય સામે ૭૮ વર્ષ જીવીને દુનિયા સમક્ષ શ્રેષ્ઠ સંશોધનો અને શ્રેષ્ઠ પુસ્તકો આપીને ગયા. દિપક પરમાર આવી અવસ્થામાં બે પુસ્તકો એકીસાથે લખાવી રહ્યા છે. મનની પ્રચંડ તાકાતનો આથી વિશેષ શું પુરાવો હોઈ શકે?  

છેલ્લાં દસ વર્ષમાં અકિલા મારફતે મેં ત્રણ કે ચાર અહેવાલો જ લખ્યા છે પરંતુ તેમાં મને ચારે દિશામાંથી જે પ્રચંડ, હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો તે મારી કલ્પના બહારનો હતો અને તેનાથી મારા આત્મવિશ્વાસ અને જીવનના સારા તત્વો પ્રત્યેની આસ્થામાં વધારો થયો છે તેમાં કિરીટભાઈ ગણાત્રા જેવા સંવેદનશીલ વ્યકિતનો મોટો ફાળો છે. પ્રિન્ટિંગ પ્રેસ પાસે ઉભેલા પોતાના પિતાનો ફોટો તાકતા રહેલા શ્રી કિરીટભાઈને મેં લાગણીશીલ અવસ્થામાં જોયા છે, ત્યારે શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા અને માતાપિતાની સેવા કરતાં તમામ કુટુંબો, યુવાનોને મારો આ લેખ અર્પણ છે.

યુવાનીના દિવસોમાં અનેક સ્વપ્નાઓ, શોખો, ભૌતિક આકર્ષણોની ભરમાર વચ્ચે દિપકભાઈના બંને યુવાન પુત્રોનું બિમાર અશકત પિતા માટેનું આ સમર્પણ બીજા બેચાર કુટુંબોને પણ આવી ઉમદા પ્રેરણા આપે તેવી જ ભાવના છે. બિમાર પિતાને ઉંચકવા, મળમૂત્ર સાફ કરવા, આખો દિવસ સાથે રહી તેમની સંવેદનાને વેગ મળે તે બલિદાન કંઇ જેવુ તેવું નથી જ. જો દેશના વડાપ્રધાન પોતાની વયોવૃધ્ધ માતાને મળવાનો, બેસવાનો અને તેમને વ્હિલચેરમાં ફેરવવાનો સમય ફાળવી શકે તો માબાપ માટે સમય નથી તેવું કહેવાનો કોઈને હવે અધિકાર નથી. કેમકે, વડાપ્રધાનથી વધુ વ્યસ્ત હોવાનો કોઈ દાવો કરી શકે તેમ નથી. 

આ લખાણ માટે મેં અકિલાના ઓછાબોલા પરંતુ ગુણવત્તાસભર અને નવીન પ્રકારના  સમાચારો શોધવામાં કાયમ ઉત્સુક એવા અનિલભાઈ દાસાણી સાથે લંડનથી વાત કરી અને લખાણના કેન્દ્રવર્તી હેતુને સમજી રાજી થઈ ગયાં.

એક બીજી બાબત પણ અકિલાના વાચકો સમક્ષ મૂકવાનું જરૂરી લાગે છે કે દિપકભાઈની બિમારી માટે ખાસ પ્રકારની બેટરી ઓપરેટેડ વ્હિલચેર, તેમના માટે ખાસ પ્રકારનો પલંગ કે તેમને ઉંચકવા માટે છતમાં ગરગડી જેવી અને ખાસ પ્રકારના વાહનની તમામ વ્યવસ્થાનો ખર્ચ બ્રિટનની સરકારે કર્યો છે એટલું જ નહી પરંતુ તેમની વિકટ પ્રકારની બિમારી માટે ખાસ બે સહાયકો પણ સરકારી ખર્ચે ફાળવી આપ્યા છે તે માટે બ્રિટનની સરકાર અભિનંદનને પાત્ર છે. ફકત વ્હિલચેર જ પાંચ લાખ રૂપિયાની છે અને  સરકાર દર વર્ષે ૯૦,૦૦૦ પાઉન્ડનો દવાદારૂ સહાયક વિગેરે માટે ખર્ચ કરે છે અને તે પણ સહજપણે. ભારતમાં આવી બિમારીમાં દર્દી તો ઠીક તેમનું કુટુંબ પણ સાફ થઈ જાય. ૯૦,૦૦૦ પાઉન્ડ એટલે લગભગ રૂ.૮૧,૦૦,૦૦૦ જેટલી રકમ થાય. અંતમાં, દિપકભાઈને આવી અસાધ્ય બિમારીને પોતાની તાકાત બનાવી તદન સ્વસ્થ રહેવા બદલ અને શ્રીમતી સુમીબેનને અને ચિ.વિશાલ અને કોમલને તેમના બલિદાનો અને સેવા માટે અભિનંદન સાથે માનવીય મૂલ્યોની જાળવણીની ટૂંકી વાત પૂર્ણ કરીએ. માનવતા, લાગણીઓ ઉજાગર કરતી વાતોને પ્રકાશિત કરવાની અકિલાની વણથંભી પરંપરાને અભિનંદન અને મને આવી બલિદાનના પ્રત્યક્ષ સાક્ષી બનવાની તક માટે પરમ તત્વનો આભાર માનું છું. ફકત એક જ બાબતનો દિપકભાઈને અફસોસ રહી જાય છે કે, તેઓ પોતાના પૌત્રને રમાડી શકયા નથી. આ પારાવાર અફસોસ તેમની આંખોમાં તરવરે છે.

લંડનથી સ્વિડન પહોંચ્યા, અમરેલીના બગસરાના મૂળ વતની અને પૂ.મોરારીબાપુના ચાહક અને નોર્વે, સ્વિડનના પ્રખ્યાત યુરોલોજિસ્ટ એવા ડો. જગદીશ ગોંડલિયાના મહેમાન બની રહ્યા. ગોટેનબર્ગથી નજીક બોરાસ શહેરમાં ડો. જગદીશભાઈનું ૧૦૪ વર્ષ જૂનુ નિવાસસ્થાન સમગ્ર બોરાસમાં શ્રેષ્ઠ છે. હેરિટેજ સંપત્તિના વારસામાં આ મકાન ગણાય છે. હસમુખા, લાગણીશીલ અને જેની સંવેદનાઓ તમને સ્પર્શ કરી જાય એવા જગદીશભાઈ મહેમાનભૂખ્યા અને લાગણીભીના સજ્જન છે. કાઠીયાવાડી પરંપરાઓના ચાહક એવા જગદીશભાઈનો લોકસાહિત્ય, ચારણી સાહિત્યના મર્મજ્ઞ એવા કવિ દુલા ભાયા કાગ અને પીંગળશીભાઈ ગઢવી સાથેનો ફોટો જોઈ આનંદ બેવડાઈ ગયો. માતાપિતાને છેક સ્વિડન બોલાવી સેવા કરી રહેલા જગદીશભાઈના ખોળામાં તેમના પિતાએ સ્વિડનમાં જ અંતિમ શ્વાસ લીધા. સ્વામી સચ્ચિદાનંદે યુરોપના પ્રવાસના તેમના પુસ્તકમાં શ્રી જગદીશભાઈની ભારોભાર પ્રશંસા કરી છે, તે યથાર્થ દેખાઇ. 

શિયાળામાં ઉત્તર ધ્રુવમાં દેખાતી “Northern Lights” જોવા માટે તેમનો સતત આગ્રહ છેલ્લા ઘણા વર્ષોથી રહ્યો છે. આ અદભૂત અને અદ્રિતીય ખગોળીય ઘટનામાં આકાશમાં હજારો કી.મી. ના રંગબેરંગી મેઘધનુષી પટ્ટાઓ જોઈ માણસ સ્તબ્ધ થઈ જાય તેવી આ ઘટના જોવા મળે તો ધન્ય થઈ જવાશે તેવી આશા હતી પરંતુ માઈનસ-૧પ ડિગ્રી સુધીની ઠંડી સહન કરી પ્રવાસ કરવાની તૈયારી અને સમય ન હતો. આ ખગોળીય ઘટના નિયમિત બનતી નથી અને મેઘધનુષ્યની જેમ રચાય છે. દેખાય તો તુરત અને ન દેખાય તો દિવસો સુધી રાહ જોવાની. છતાં, શ્રી જગદીશભાઈ જેવા મિત્રને મળવાનું અને છ માસની રાત્રિ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે નાની બાબત નથી. અગાઉ નોર્વેમાં છ માસનો દિવસ અને ર૪ કલાક ઝળહળતો સૂર્ય જોવાની વિરલ તક મળી હતી. કુદરતની વ્યવસ્થા અને ગોઠવણો અદભૂત છે.

સ્વિડનમાં હવે આગામી મહિનાઓ સુધી ધુમ્મસ, બરફ અને આકરી ઠંડીનું જોર રહેશે. દુનિયામાં સૌથી સુખી દેશોમાં આવતા ફિનલેન્ડ, સ્વિડનમાં સૂર્યના પ્રકાશના અભાવે સૌથી વધુ ડિપ્રેશન, એકલતા અને આપઘાતો નોંધાય છે. એકલતા, વૃધ્ધો આ દેશોમાં મોટી સમસ્યા બની રહી છે. નોર્વેમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ એક નજરે જોવા જેવી વિરલ ઘટના છે. પાગલપન, સ્ક્રિઝોફેનિયા જેવા રોગો સમૃધ્ધિની સાથે જ આ દેશોમાં વ્યાપક છે ત્યારે પશ્ચિમના આ દેશોમાં રણમાં મીઠી વીરડી જેવા આ બે કિસ્સાઓ માનવતા,  ભારતીય સંસ્કૃતિ, કુટુંબપ્રથા ઉપરનો આપણો સૌનો વિશ્વાસ મજબૂત બનાવે છે. મારા પ્રવાસ દરમ્યાન જે જે ગુજરાતીઓ, ગુજરાતી કુટુંબો મળ્યા તે ગુજરાત સરકારની કામગીરીથી રાજી દેખાયા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બધાને સાથે રાખી ગુજરાતના હિતમાં અને વિશાળ દ્રષ્ટિબિંદુથી સારુ કામ કરી રહ્યા છે તેવી ગુજરાતી સમાજમાં છાપ છે. સ્વિડનની “Swedish International Co. Operation Agency” લાંબાગાળાના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ તથા સામાજિક માપદંડોને ઉંચા લઇ જતા પ્રોજેકટમાં નાણાંકીય, ટેકનિકલ મદદ આપે છે તેનો ગુજરાત સરકારે વધુમાં વધુ લાભ લેવો જોઈએ.

શ્રી કિરીટભાઈ ગણાત્રા માનવીય સંબંધો, માનવતા અને અધ્યાત્મ તથા જીવનના સત્વને આગળ લઇ જનારા વિષયોમાં ઊંડો રસ ધરાવે છે ત્યારે આવા અન્ય કોઇ વિષયવસ્તુ ઉપર સંશોધન અને લખાણ માટે વાચકો પોતે અકિલાને સૂચનો કરશે તો વાચકોની મરજી પ્રમાણે ચાલતું અકિલા હજૂ આવા રણમાં દ્રિપકલ્પ જેવા બનાવો, વિષયો અને બીજા માટે જીવતાં લોકોની  મર્મવેધી વાતો શોધી કાઢશે તેવી આશા છે.

-: આલેખન :-

ડો. દિનેશ બ્રહ્મભટ્ટ,

પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ અને મેમ્બર - રેરા - ગુજરાત સરકાર

dineshbrahmbhatt@yahoo.com

મો. નં.૯૯૭૮૪ ૦૬૦૪૯

 

(3:55 pm IST)