Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમદાવાદના ઠક્કરબાપાનગરમાં વિધવા ભાભી સાથે રહેતી યુવતીની ઘરમાં ઘૂસીને બુટલેગરે કરી છેડતી

ફેંટ પકડીને કહ્યું ,,તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બેમાં છે

અમદાવાદ:ઠક્કરનગરમાં વિધવા ભાભી સાથે રહેતી યુવતીએ લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.યુવતી રાતે ઘરે હતી ત્યારે બુટલેગર તેના ઘરે આવ્યો હતો અને તેની ફેંટ પકડીને તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બેમાં છે તેમ કહીને ધમાલ મચાવી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ ઠક્કરનગરમાં આવેલ મકાનમાં રહેતી યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરી છે. યુવતી તેનાં ભાભી સાથે રહે છે અને મકાન દલાલીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે ઠક્કરનગરના સાંઇબાબા ફ્લેટમાં રહેતો નરેશ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી તેને હેરાન-પરેશાન કરે છે અને છેલ્લા બે દિવસથી ઘરે આવીને તોફાન મચાવી રહ્યો છે.

  ગઇ કાલે મોડી રાતે યુવતી ઘરે સૂવાની તૈયારી કરતી હતી ત્યારે નરેશ તેના ઘરે આવી ગયો હતો અને યુવતીની ફેંટ પકડીને એક વાર તો તને બોમ્બે લઇ જઇશ.તું અહીંયાં શું કમાય છે, તારી જરૂરિયાત તો બોમ્બે છે તેમ કહીને ધમાલ મચાવી હતી. નરેશની હરકતોથી કંટાળેલી યુવતીએ તેના પર ઘરનો સામાન-ખુરશી ફેંકી હતી.

  દરમિયાનમાં યુવતીની ભાભી આવી ગઇ હતી, જ્યાં નરેશે તેને પણ બોમ્બે લઇ જવાની વાત કરી હતી.બન્ને મહિલાઓને ધમકી આપીને નરેશ જતો રહ્યો હતો અને પરત એ‌ક્ટિવા લઇને તેના મિત્રો સાથે આવ્યો હતો અને તું નીચે ઊતર તને બતાવું છું તેમ કહીને ધમકી આપવા લાગ્યો હતો.

 યુવતીએ તાત્કા‌િલક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ યુવતીના ઘરે આવી ગઇ હતી અને તેમને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. પોલીસે નરેશ અને તેના મિત્રો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઠક્કરનગરનો નરશે ઉર્ફે નારી ‌િલસ્ટેડ બુટલેગર છે.

(1:48 pm IST)