Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રૂપલ શર્માને પોલીસ રિમાન્ડમાં મળે છે પિઝા ખાવાની ઓફર!

પેપરલીક કૌભાંડમાં પકડાયેલી

અમદાવાદ તા. ૮ : લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્મા હાલ ૧૦ દિવસનાં રિમાન્ડ પર છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે રૂપલ બે દિવસથી જમતી ન હતી. જેથી પોલીસ અધિકારીઓ પણ પરેશાન હતા. ગાંધીનગર સેકટર ૭માં તેને રાખવામાં આવી છે. પોલીસ ઇન્સપેકટર જે.ડી. મહિડાએ રૂપલને કહ્યું હતું કે તમારે પિઝા ખાવા હોય તો તે પણ મંગાવી આપુ. પરંતુ તમે કંઇપણ જમી લો. રૂપલને બે બાળકો છે તેમને પણ પોલીસ માતા રૂપલને મળવા દે છે.

નોંધનીય છે કે પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી રૂપલ શર્મા પોતે સ્વર્ગસ્થ પીએસઆઇની પુત્રી છે અને તે પોતે આ લોકરક્ષક દળની પરીક્ષાની ઉમેદવાર હતી. તેની પાસે જવાબો આવી ગયા એટલે તેણીએ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્સ અપ વેરીફાઇ કરાવવા માંગતી હતી જેમાં તે ફસાઇ ગઇ. બોરાણાએ આ જવાબો ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને વોટ્સ અપ પર મેસેજ કરીને જાણ કરી દીધી, જેને પગલે સહાયને ખબર પડી ગઇ કે પેપર લીક થઇ ચૂકયું છે. તેના જવાબો સોશ્યલ મીડિયામાં ફરતા થઇ ગયા છે.

જેને પગલે સૌથી પહેલી પોલીસના સકંજામાં રૂપલ શર્મા આવી અને તેના થકી આગળની ચેઇનનો પર્દાફાશ થયો. રૂપલ શર્માની ધરપકડ બાદ હાલ તો, તેના બે નાના બાળકો નિરાધાર થઇ ગયા છે. કારણ કે, રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂકયા છે અને હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. રૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. રૂપલને એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે જયારે છોકરી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે.

પેપરલીક કાંડમાં છેલ્લા કેટલાક દિવસથી ફરાર આરોપી યશપાલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે યશપાલની સઘન પૂછપરછ કરી સમગ્ર કાંડમાં વધુ એક કડી જોડી હતી. જેમાં સ્પષ્ટ થયું કે પેપરલીક કેસમાં દિલ્હની ગેંગનો મુખ્ય રોલ છે. જો કે વાત કરીએ ગુજરાતના યશપાલની તો તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે પેપરલીક થયાનું જાહેર થઇ જતાં તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

(6:10 pm IST)