Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૨૨ વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટના જામીન નામંજૂર

સંજીવ ભટ્ટની વર્તણૂક અને અધિકારીઓને ખોટી માહિતી આપી હોવાથી જામીન નામંજૂર કરાયા

અમદાવાદ તા. ૮ : ઉત્તર ગુજરાતના પાલનપુરની સેશન્સ કોર્ટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટના જામીન ના મંજૂર કર્યા છે. ૨૨ વર્ષ જૂના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટટ્ને જામીન નથી મળ્યા. એડિશનલ સેશન્સ જજ પી.એસ. બ્રહ્મભટ્ટે ટાંકયું કે સંજીવ ભટ્ટની વર્તણૂક અને અધિકારીઓને ખોટી માહિતી આપી હોવાથી જામીન નામંજૂર કરાયા છે. આ કારણો ઉપરાંત કોર્ટને આશંકા હતી કે કેસની ડાયરી સાથે જે પ્રકારે ચેડાં કરવામાં આવ્યા છે તેમ સંજીવ ભટ્ટ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. કોર્ટે અવલોકયું કે, સંજીવ ભટ્ટના ગુનાહિત ઈતિહાસમાં તેની સામે હત્યા સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.

કોર્ટે સ્વીકાર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ સંજીવ ભટ્ટે સુમેરસિંહ રાજપુરોહિતને ફસાવવા માટે અફીણ મૂકયું હોવાનું દેખાય છે. કોર્ટે કહ્યું કે, પીડિત વકીલ હોવાથી ૨૨ વર્ષ સુધી લડત આપી રહ્યો છે. જો કોઈ સામાન્ય નાગરિક હોત તો તેની પાસે હાડમારી વેઠીને અન્યાય સહન કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. કોર્ટે અફીણ મૂકવાનું ષડયંત્ર રચવા માટે સંજીવ ભટ્ટની ટીકા કરી. જામીન નામંજૂર કરતી વખતે કોર્ટે સરકારી અધિકારીઓ અને કોર્ટ સમક્ષ સંજીવ ભટ્ટની વર્તણૂકને પણ ધ્યાનમાં લીધી.

સુમેરસિંહ રાજપુરોહિતના અપહરણ કેસમાં કોર્ટની મંજૂરી વિના ભારત નહીં છોડવાની શરતે પાલી કોર્ટે સંજીવ ભટ્ટને જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે, 'સંજીવ ભટ્ટ પાંચ વખત કોર્ટની મંજૂરી વિના વિદેશ જઈને આવ્યા. આ પરથી કોર્ટને અંદાજો છે કે જો જામીન આપવામાં આવે તો આરોપી જામીનની શરતોનું પાલન નહીં કરે.' કોર્ટે પ્રકાશ પાડ્યો કે કઈ રીતે ૨૦૧૭માં સંજીવ ભટ્ટે પાસપોર્ટ ઓફિસમાં કોઈ ક્રિમિનલ કાર્યવાહી, ધરપકડ વોરંટ કે સમન્સ પેન્ડિંગ ન હોવાનું કહ્યું હતું, જયારે તેની સામે જામનગર, અમદાવાદ અને પાલી કોર્ટમાં ટ્રાયલ ચાલતી હતી.

આ કેસના પીડિત સુમેરસિંહે સંજીવ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં મોટી સંખ્યામાં ભટ્ટ વિરુદ્ઘ પુરાવા રજૂ કર્યા. સંજીવ ભટ્ટે કોર્ટમાં દલીલ કરી કે, પાલી અને પાલનપુરમાં નોંધાયેલો કેસ સિંગલ ટ્રાન્સેકશનનો હોવાથી ફરીથી તેની સામે ફરિયાદ ન દાખલ થઈ શકે. જો કે કોર્ટે ભટ્ટની દલીલનો અસ્વીકાર કર્યો. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટનું અવલોકન છે કે આ બંને કેસ અલગ છે અને કોર્ટ આ વાતને વળગી રહેશે. ૧૯૯૬થી પેન્ડિંગ કેસમાં સંજીવ ભટ્ટની સાથે પાલનપુરના પોલીસ ઈન્સ્પેકટર આઈ.બી. વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી છે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આર.આર જૈન અને વ્યાસની અરજી બાદ હાઈકોર્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યા. પાલીમાં જે દુકાન ખાલી કરાવવામાં આવી તે જસ્ટિસ જૈનની બહેનની હતી.(૨૧.૧૦)

(11:50 am IST)