Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજ્યના ૭૦,૦૦૦ બેંક કર્મચારીઓ ઉતરશે હડતાલ પર : બે દિવસ માટે બંધ રહેશે બેંકો

બેંકોના મર્જર પર કર્મચારીઓ વિરોધમાં : બે દિવસ સુધી બંધ રહેશે બેંકો

અમદાવાદ ૮ : આગામી ૨૬મી ડિસેમ્બરે રાજયભરની પબ્લિક સેકટર બેંકના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતરશે. પ્રસ્તાવિત ત્રણ બેંકો બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરના વિરોધમાં થતી હડતાલથી બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહેલી આ હડતાલમાં મહા ગુજરાત બેંક કર્મચારી એસોસિયેશન મુજબ અંદાજે ૭૦,૦૦૦ જેટલા બેંક કર્મચારીઓ આ જોડાશે.

મહા ગુજરાત બેંક કર્મચારી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, પ્રસ્તાવિત ત્રણ બેંકોના એકીકરણના વિરોધમાં બધી જ પબ્લિક સેકટર બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. આ એકિકરણથી રાજયમાં પબ્લિક સેકટરની બેંકો ઓછી થશે. પબ્લિક સેકટર બેંકો દ્વારા જ સરકારી યોજનાઓ લાગુ થઈ શકી છે.

૨૫મી ડિસેમ્બરે નાતાલની જાહેર રજા છે અને ૨૬મીએ કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના છે. આથી સળંગ બે દિવસો સુધી રાજયની બધી પબ્લિક સેકટરની બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસોસિયેશન દ્વારા બહાર પડાયેલા નિવેદન મુજબ, જયારે સરકાર દરેક નાગરિકને બેંકીંગ પ્રક્રિયામાં લાવવાની વાત કરે છે ત્યારે આપણે બેંકોનું વિસ્તરણ કરવું જોઈએ નહીં કે તેમનું એકીકરણ.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે ૬ બેંકના મર્જરનો ઉલ્લેખ કરતા સ્ટેટમેન્ટમાં આગળ કહેવાયું છે, બેંકોનું એકીકરણ કરવાથી કોઈ ફાયદો થશે તેના અત્યાર સુધી કોઈ સાબિતી મળી નથી. SBI કોઈપણ બ્રાંન્ચને બંધ કરવા અને તેનું કામ કરવા માટે બાધ્ય છે. આ કારણે બેંકમાં નોકરીઓ ઓછી થશે. ઉપરાંત લ્ગ્ત્ પણ હાલમાં બેડ લોનની સમસ્યા સામે લડી રહી છે. સ્ટેટમેન્ટમાં વધુમાં ઉમેરાયું છે કે, આવી જ રીતે દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંકનું એકીકરણ પણ મદદ નહીં કરે. એકીકરણ કરવું તે બેડ લોનની સમસ્યાથી બહાર આવવાનો ઉકેલ નથી. મર્જર બાદ બેડ લોનની રિકવરી યોગ્ય નહીં થઈ શકે.

હડતાલના દિવસે બેંક કર્મચારીઓ કેટલાક દેખાવો કરવાનું પણ નક્કી કરી રહ્યા છે. ૧૮મી ડિસેમ્બરે બેંક કર્મચારીઓ વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરશે. ૨૪મી ડિસેમ્બરે કર્મચારીએ દેખાવો કરશે. આ ઉપરાંત રાજયની પબ્લિક સેકટર બેંકના કર્મચારીઓ આગામી ૮મી અને ૯મી જાન્યુઆરીએ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડ યુનિયનની હડતાલમાં જોડાવાના છે. આથી બે દિવસ માટે બેંકો બંધ રહેશે.(૨૧.૫)

 

(10:09 am IST)