Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી છે

દિલ્હીના આરોપીને પકડવા હજુ સુધી નિષ્ફળતા : ૧૪૦ પોલીસ કર્મચારીની ૧૭ ટીમ આકાશ પાતાળ એક કરી રહી હોવા છતાં દિલ્હી ગેંગના આરોપી સકંજાથી દૂર

અમદાવાદ, તા.૭ : લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં દિલ્હી ગેંગને શોધવા ખુદ ગુજરાત રાજયના ડીજીપી શિવાનંદ ઝા, ગુજરાત એટીએસના એસપી હિમાંશુ શુક્લા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના દીપેન ભદ્રન અને ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં ચુંનદા અધિકારીઓ સહિત ૧૪૦ પોલીસ કર્મચારીઓની ૧૭ ટીમો આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ હજુ સુધી દિલ્હી ગેંગનો એક પણ આરોપી ગુજરાત પોલીસના સકંજામાં આવ્યો નથી. એવું કહી શકાય કે, બહુ જ શાતીર, ચાલાક અને ફુલપ્રુફ મોડેસ ઓપરેન્ડી ધરાવનાર દિલ્હીની ગેંગ ગુજરાત પોલીસના દોઢસો જેટલા અધિકારીઓને જોરદાર રીતે હંફાવી રહી છે કે, પાંચ દિવસ બાદ પણ હજુ પોલીસ એક આરોપી સુધી પહોંચી શકી નથી. દિલ્હીની ગેંગના સભ્યો અને તેમના સગડ મેળવવા ગુજરાત પોલીસની જુદી જુદી ટીમો દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં તપાસ ચલાવી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસ એક પણ આરોપી સુધી પહોંચી શકી નથી. પોલીસને માત્ર ગુજરાતના ઉમેદવારોને ગુડગાંવથી દિલ્હી લઇ જવાયા તે વાહનો જ આઇડેન્ટીફાય કરવામાં સફળતા મળી છે પરંતુ હજુ સુધી આરોપીઓનું નેટવર્ક ભેદવામાં સફળતા મળી નથી. ખુદ ગુજરાત પોલીસે સ્વીકાર્યું છે કે, દિલ્હીની આ ગેંગ પેપર લીક કરવામાં એટલી નિપુણ અને માસ્ટરમાઇન્ડ છે કે, તે બહુ ફુલપ્રુફ સીસ્ટમ સાથે કામ કરે છે કે, તેમની ગેંગનો કે અન્ય કોઇપણ આરોપી પકડાઇ જાય તો તે તપાસના ચક્રવ્યૂહમાં સિફતતાપૂર્વક બહાર નીકળી જઇ શકે. બસ, દિલ્હીની ગેંગની આ મોડેસ ઓપરેન્ડી જ ગુજરાત પોલીસને ભારે પડી રહી છે અને તે સમજવા અને ઉકેલવા પોલીસ જબરદસ્ત મથામણ કરી રહી છે પરંતુ હજુ કંઇ તાગ મળતો નથી. અલબત્ત, દિલ્હીના બે આરોપીઓને આઇન્ડેન્ટીફાય કરી લીધા હોવાનો પોલીસે દાવો કર્યો હતો પરંતુ પોલીસ તેમાં પણ નક્કર પુરાવા શોધી રહી છે અને પછી જ સત્તાવાર જાહેરાત કરવાનું મુનાસીબ માની રહી છે કારણ કે, કયાંક કાચુ ના કપાઇ જાય. ગુજરાત પોલીસ દ્વારા હાલ એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની કુલ ૧૭ ટીમો(એક ટીમમાં આઠ જેટલા પોલીસકર્મી) બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજયોમાં તપાસ ચલાવાઇ રહી છે. દિલ્હીની ગેંગની ફુલપ્રુફ સીસ્ટમ, તેમનું પ્લાનીંગ અને મોડેસ ઓપરેન્ડીને તો ગુજરાત પોલીસ પણ માની ગઇ છે કે, આરોપીઓ સુધી પહોંચવામાં અભિમન્યુના કોઠાની જેમ આટલા કોઠા ભેદવા પડે તેવી સ્થિતિ જેવું નિર્માણ થયું છે પરંતુ ગુજરાત પોલીસ તેમછતાં દાવો કરી રહી છે કે, ટૂંક સમયમાં જ તે દિલ્હીની ગેંગના સભ્યોનો પર્દાફાશ કરી દેશે.

(8:02 pm IST)