Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ગાંધીનગરથી પ૦ કિ.મી. દૂર પીપળજ ગામમાં દિપડાના પંજાના નિશાન જોવા મળતા લોકોમાં ચિંતાઃ વન વિભાગની દોડધામ

અમદાવાદઃ ગાંધીનગર નજીક પીપળજ ગામમાં ગામની બહાર દીપડા અને તેના બચ્ચાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. પીપળજ ગાંધીનગરથી 50 કિ.મી દૂર આવેલુ છે. દીપડાના પંજાના નિશાનથી ચિંતિત સરપંચે ગ્રામજનોને રાત્રે ઘરમાં રહેવાની અને બાળકોને રાત્રે એકલા બહાર જવા દેવાની સલાહ આપી હતી. સરપંચ કરણસિંહ વાઘેલાએ જણાવ્યું, “અમે દીપડાના પંજાના નિશાન જોયા છે અને વનવિભાગના અધિકારીઓને પણ તે બતાવ્યા હતા. તેમણે વાતને પુષ્ટિ આપી કે પંજાના નિશાન દીપડાના છે અને તેની સાથે એક બચ્ચુ હોવાની પણ શક્યતા છે.”

લોકોમાં ફફડાટ

વાઘેલાએ વધુમાં જણાવ્યું, “ત્યાર બાદ મેં ગામના લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. રાત્રે અને વહેલી સવારે લોકોને ખેતરમાં જવાની પણ ના પાડી છે.” છોટા ઉદેપુરમાં દીપડાએ ત્રણ લોકોને ફાડી ખાધા હોવાના સમાચાર બાદ ગામના લોકોમાં ફફડાટ છે. નવેમ્બરમાં ગુજરાતની વિધાનસભામાં ઘૂસી ગયેલા દીપડાને કેદ કરાયો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પગના ચિહ્ન જોતા લાગે છે કે દીપડો ચાર વર્ષનો છે.

ગાંધીનગરમાં દીપડાનું આગમન

વન વિભાગના ચીફ કન્ઝર્વેટર રમણ મૂર્તિએ જણાવ્યું, “અમને રિપોર્ટ મળ્યો છે અને અમારો સ્ટાફ વિસ્તારમાં દીપડાની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.” મૂર્તિએ વિશેષમાં જણાવ્યું કે ગામ સાબરમતી નદીના કિનારે આવેલુ છે અને તેની બહાર જંગલનો વિસ્તાર છે. તે દર્શાવે છે કે પ્રાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ માઈગ્રેટ કરી રહ્યું છે. અત્યાર સુધી ગામમાં કોઈ ઢોર કે કૂતરા પર આક્રમણ થયુ નથી. દીપડાનું વર્તન નોર્મલ જણાઈ રહ્યું છે. ધરોઈ ડેમથી સાબરમતી સુધી આખા પટ્ટામાં જંગલ આવેલુ છે જેમાં જરખ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ છે.

(5:18 pm IST)