Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભગવાન વિઠ્ઠલનાથજી નગર ભ્રમણ પર નિકળતા સ્વાગત

માર્ગોમાં ભગવાન વિઠ્ઠલનાથજીનું ઠેર-ઠેર સ્વાગત : જયઘોષથી ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓ તરબોળ બન્યા : દેવદિવાળી પ્રસંગે ભગવાન નરસિંહજીનો વરઘોડો

અમદાવાદ, તા.૮ : દેવઉઠી અગિયારસની સવારે વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીની રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી. વડોદરામાં આજે ભગવાન વિઠ્ઠલનાથજીની નગરચર્યાને લઇ શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. ભકતો ભકિતરસમાં જાણે તરબોળ બન્યા હતા. હવે દેવદિવાળીએ ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો નીકળશે. દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો આજે સવારે ૯-૦૦ વાગ્યે નીકળ્યો હતો. પરંપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.

            ત્યારબાદ વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...ના જયઘોષ વચ્ચે ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા. સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરઘોડો મંદિરમાંથી સવારે ૯-૦૦ વાગે નીકળ્યો હતો, જે બપોરે ૧-૦૦ વાગે શ્રીમંત ગહીનાબાઈ બાગ લિંબુવાડીમાં શ્રી ગહિનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચ્યો હતો. જ્યાં બપોરે હરિ-હરનું મિલન થશે, આ ઉપરાંત એકાદશીના રોજ રાત્રે ૯-૦૦ વાગે એમ.જી રોડ પર આવેલ રણછોડજી મંદિર ખાતેથી ભગવાનનો વરઘોડો નીકળશે. જ્યારે એકાદશીના દિવસે જ નરસિંહજીની પોળમાં આવેલા મદનમોહનજીના મંદિરમાં તુલસીજીના લગ્ન નિમિત્તે તુલસીજીની શોભાયાત્રા નીકળી હતી. જ્યારે આવતીકાલે તા.૯ નવેમ્બરે દલાપટેલની પોળમાં રામજીમંદિરનો વરઘોડો નીકળશે. જયારે તા.૧૨ નવેમ્બરે દેવદિવાળીના રોજ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે. ઉપરાંત વિરાસાની પોળમાં નરસિંહ ભગવાનનો લગ્નમહોત્સવ પણ ઉજવાશે. જેને લઇને ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.

(9:33 pm IST)